જૂનના અંત સુધીમાં આવી શકે છે બાળકો માટે કોરોના રસી

નવી દિલ્હી, તા. 5 : ભારતમાં ચાલુ મહિનાના અંત સુધીમાં બાળકો માટે સ્વેદેશી કોરોના રસી ઉપલબ્ધ થવાની આશા છે. જાયડસ કેડિલાની સ્વદેશી રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ થઈ ચુક્યું છે અને બે અઠવાડિયાની અંદર ડીસીજીઆઈ (ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા) પાસે ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની આશંકા વચ્ચે આ રસી ઉપલબ્ધ થવી એ રાહતની વાત બની શકે છે. નીતિ આયોગના સભ્ય અને વેક્સિન ઉપર બનેલી સમિતિના પ્રમુખ વીકે પોલે કહ્યું હતું કે, કંપની બે અઠવાડિયાની અંદર રસીના ઉપયોગની મંજૂરી માટે આવેદન કરી શકે છે. કોરોના સંક્રમણ ઉપર બનેલી સમિતિ ત્રીજા તબક્કાના પરીક્ષણની વિગતોનો અભ્યાસ કરશે. તમામ બાબતો યોગ્ય રહેશે તો કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિકની જેમ કેડિલાની રસીને પણ ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી શકે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer