કોરોનિલ દવા નથી, તેને કોરોનાની કિટમાં ન સમાવી શકાય : ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશન

નવી દિલ્હી, તા.5: પતંજલિની કોરોનિલ ટેબલેટને કોવિડ-19ની કિટમાં સમાવેશ કરવાની માગણીનો સખત વિરોધ કરતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)એ ઉત્તરાખંડ સરકારને આ દવાને કોવિડ-19ની કિટમાં સામેલ ન કરવા જણાવ્યું છે.
ડોક્ટરોના આ ભારત વ્યાપી સંગઠન આઇએમએએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે બાબા રામદેવના પતંજલિએ વિકસાવેલ કોરોનિલને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની મંજૂરી નથી. 
એટલું જ નહીં પણ આ ટેબલેટને કેન્દ્ર સરકારની કોવિડ માર્ગરેખાઓમાં સમાવવામાં નથી આવી આથી રાજ્યની કોવિડ-19 કિટમાં આ ટેબલેટનો સમાવેશ કરવા સામે અમારો વિરોધ છે.
આઇએમએના સ્ટેટ સેક્રેટરી ડો. અજય ખન્નાએ લખેલા આ પત્રમાં એમ પણ જણાવાયું છે કે બાબા રામદેવ અને પતંજલિ ગ્રુપ દ્વારા જે દાવો કરાયો છે તે મુજબ કોરોનિલએ દવા નથી કે ઔષધ પણ નથી અને કેન્દ્ર સરકારે તેને માત્ર પૂરક ખોરાક તરીકે મંજૂરી આપી છે. ઉત્તરાખંડના ચીફ સેક્રેટરીને આકરા શબ્દોમાં લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે આયુર્વેદિક સપ્લિમેન્ટને એલોપેથિક દવા અને ઔષધ સાથે મિક્સ કરવાથી એવી મિક્સોપેથી રચાશે કે જેને સુપ્રીમ કોર્ટ અને કેટલીક હાઇ કોર્ટેએ મંજૂરી નથી આપી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer