ભરૂચ નજીક કોવિડ હૉસ્પિટલમાં આગ : 18નાં મૃત્યુ

ભરૂચ નજીક કોવિડ હૉસ્પિટલમાં આગ : 18નાં મૃત્યુ
શોર્ટ સરકીટના કારણે લાગી આગ : તપાસનો આદેશ : સરકાર દ્વારા રૂ 4-4 લાખની સહાય : 35 દર્દીઓને બચાવી લેવાયા : બે નર્સના પણ મૃત્યુ
અમારા પ્રતિનિધિતરફથી
વડોદરા / અમદાવાદ, તા. : ગોઝારા ઘટનાક્રમમાં ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ગઇ મધરાત બાદ આઇસીયુ વોર્ડમાં વેન્ટિલેટરમાં શોર્ટસર્કિટને પગલે ફાટી નીકળેલી વિકરાળ આગમાં કોરોના સામે જિંદગી બચાવવાનો જંગ લડી રહેલા 16 દર્દી અને બે નર્સના મોત થયા હતા. ગુજરાતના સ્થાપના દિવસ વખતે જ સર્જાયેલી આ હૃદય દ્રવી ઉઠે તેવી ઘટનાની તપાસ બે વરિષ્ઠ સનદી અધિકારીઓએ શરૂ કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોગ બનનારાઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલમાં રાત્રે  12.45 વાગ્યે વેર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં 16 દર્દી અને બે નર્સ જીવતા જ આગમાં ભૂંજાઇ ગયા હતા.
આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંચથી છ?હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા. બીજીતરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ  ધરવામાં આવી હતી. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી તેમાં જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવામાં કામે લાગી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ ને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને રૂા. ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇએએસ અધિકારીઓને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપી દીધા છે.
અહીં તપાસ માટે બે સીનિયર અધિકારી વિપુલ મિત્રા અને રાજકુમાર બેનિવાલ પહોંચી ગયા હતા. હોસ્પિટલનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તો સાંસદ મનસુખ વસાવા પણ પટેલ વેલફેર હોસ્પિટલ પહોંચ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer