વૅક્સિન માટે મારી પર દબાણ, ધમકીઓ મળે છે : અદાર પુનાવાલા

વૅક્સિન માટે મારી પર દબાણ, ધમકીઓ મળે છે : અદાર પુનાવાલા
નવી દિલ્હી, તા. 1 :  સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પુનાવાલાએ એવો દાવો કર્યો છે કે વધુમાં વધુ કોરોના વેક્સિન બનાવવા માટે મારી પર દબાણ થઇ રહ્યું છે. મને તાકાતવર લોકોની ધમકીઓ મળી રહી છે. હું હવે બ્રિટનમાં જ વેક્સિનનું ઉત્પાદન કરીશ. વેક્સિન બનાવવાની જવાબદારી મારી એકલાની નથી. 
વાય કેટેગરીની સુરક્ષા મળ્યા પછી લંડન જતા રહેલા પુનાવાલાએ ધ વિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં કેટલાક શક્તિશાળી લોકો મારી પર વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે દબાણ કરી રહ્યાં છે પરંતુ વેક્સિન બનાવવાની જવાબદારી મારી એકલાની નથી. આ દબાણને કારણે મેં મારી પત્ની અને બાળકો સાથે લંડન રહેવાનો નિર્ણય કર્યો છે. 
તેમણે કહ્યું હતું કે લંડનમાં વધારેમાં વધારે સમય હું રહેવા માગું છું, કારણ કે આવી સ્થિતિમાં ભારતમાં પાછા ફરવાની મારી કોઇ ઇચ્છા નથી. હું આવી પરિસ્થિતિમાં ભારત રહેલા માગતો નથી. જ્યાં એક્સ, વાય કે ઝેડ કેટેગરીની સુરક્ષા મળતી હોય ત્યાં કલ્પી શકો છો કે શું ચાલી રહ્યું છે. 
કોવિશિલ્ડની કિંમત વધારે હોવાની વાત ખોટી હોવાનું કહીને પુનાવાલાએ દાવા સાથે કહ્યું હતું કે અમારી વેક્સિનની કિંમત ખૂબ વ્યાજબી છે. અમે કઇં પણ ખોટું કર્યા વિના કે નફાખોરી કર્યા વિના અમારાથી બનતું કરીએ છીએ. તેમણે કહ્યું કે બઘું મારા ખભા પર પડી રહ્યું છે. 
પુનાવાલાએ કહ્યું કે કોરોના વેક્સિન માટે તેમની પર મોટી સંખ્યામાં ફોન આવી રહ્યાં છે અને ધમકીઓ પણ મળી રહી છે. તેઓ અત્યારે પરિવાર સાથે લંડન છે. તેઓ કહે છે કે બઘાંને એવું લાગે છે કે તેમને વેક્સિન પહેલાં મળવી જોઇએ પરંતુ તેઓ સમજતા નથી. ફોન કોલ કરનારા વ્યક્તિઓમાં રાજ્યોના મુખ્યમંત્રી, વ્યાપારી એસોસિયેશનો અને કેટલીક પાવરફુલ હસ્તીઓ છે. તેમણે કહ્યું કે તેમની કંપની બીજા દેશમાં વેક્સિન બનાવવા માટે કામ કરી રહી છે, ટૂંકસમયમાં તેની ઘોષણા કરાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer