પહેલા દિવસે 18-44 વય જૂથના એક હજાર મુંબઇગરાનું રસીકરણ

પહેલા દિવસે 18-44 વય જૂથના એક હજાર મુંબઇગરાનું રસીકરણ
મુંબઈ, તા. 1 : શનિવારે 18થી 44 વર્ષની વયજૂથના નાગરિકોને મહાનગર પાલિકા દ્વારા કોરોનાની રસી આપવાનું શરૂ કરાયુ હતુ. જેમાં એક હજાર લોકોએ પહેલા દિવસે રસી મૂકાવી હતી. મુંબઇમાં માત્ર પાંચ કેન્દ્રો પર રસી મૂકાવાનું શનિવારથી શરૂ થયુ હતુ જેનો લાભ એક હજાર લોકોને મળ્યો હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું. 
રવિવારે 18-44 વયજૂથના અઢી હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક હોવાનું પાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એડિશનલ પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે પાંચ કેન્દ્રો પર શનિવારે 18-44 વયજૂથના નાગરિકોને રસી આપવાનું શરૂ કરાયુ હતુ. દરેક કેન્દ્ર પર 200 નાગરિકોને રસી આપવાની હતી. અમને ખૂશી છે કે પહેલા દિવસે અમે ટાર્ગેટ મુજબ એક હજાર નાગરિકોને સફળતાપૂર્વક રસી મૂકી છે. 
કોરોનાની રસી માટેના પાંચ કેન્દ્રો અનુક્રમે નાયર હોસ્પિટલ, બીકેસી જમ્બો ફેસિલીટી, કુપર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ અને રાજાવાડી હોસ્પિટલ હતા. જેણે પણ કોવિન એપ પર રજિશ્ટ્રેશન કરાવ્યુ હતુ તેમને જ રસી આપવામાં આવી હતી. સીધા કેન્દ્ર પર આવનારા અને ભીડ કરનારાઓને પાછા ઘરે મોકલી દેવાયા હતા. 
કાકાણીએ જણાવ્યું હતું કે રવિવારે દરેક પાંચ કેન્દ્ર પર 18-44 વયજૂથના પાંચસો જણને રસી આપવાનો અમારો ટાર્ગેટ છે. રવિવારે અઢી હજાર વ્યકિતને રસી આપવામાં આવશે. પરંતુ તે પહેલા કેન્દ્રો પર રસીના પુરવઠાની તપાસ કરી લેવાશે. ભીડને ટાળવા માટે કોવિન એપ પર તમામ માહિતી અપલોડ કરાયા બાદ જ રસી આપવામાં આવશે. નોંધનીય છે કે 18-44 વયજૂથના તમામ નાગરિકોને રસી નિ:શુલ્ક આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. જાહેર કરાયેલા સરકારી કેન્દ્રો પર આ રસી મફતમાં જ્યારે ખાનગી હોસ્પિટલોમાં આ રસીના રૂપિયા નાગરિકોએ ચૂકવવાના રહેશે. 
પરિવારની તમામ 11 વ્યકિતનું રસીકરણ 
બીકેસી જમ્બો ફેસિલીટી સેન્ટરમાં સાયનની જૈન સોસાયટીમાં રહેતા રચીત શાહ(20) અને વિશાલ શાહે (28) શનિવારે પહેલા જ દિવસે રસી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે બીકેસી કેન્દ્રમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ બપોરે ત્રણ વાગ્યે બંને ભાઇઓએ લીધો હતો. કોવિન એપ્લિકેશન પર રજિસ્ટર કરાવ્યા બાદ તેમને પહેલા જ દિવસે રાતે ત્રણ વાગ્યે બંને ભાઇઓને અપોઇન્ટમેન્ટ મળી ગઇ હતી અને તેમને બીકેસી સેન્ટરમાં રસી લેવાનું સૂચન પાલિકા દ્વારા કરાયુ હતુ. રસી લીધા બાદ તેમને કોઇપણ આડઅસર કે તાવ આવ્યો નહોતો. બંને ભાઇઓએ પહેલા જ દિવસે રસી મળવાની ખૂશિ જાહેર કરી હતી. તેમના આખા અગિયાર જણના પરિવારે રસી લઇ લીધી છે. જેમાં વડીલ વયના તેમના દાદાજી દલીચંદ શાહ 93 વર્ષના છે. તેમને પણ રસીના બંને ડોઝ લીધા બાદ કોઇપણ આડઅસર જણાઇ નથી. શાહ પરિવારનાં નવ જણે બે ડોઝ જ્યારે આજે બંને ભાઇઓએ એક-એક ડોઝ લઇ લીધો છે. 
કેન્દ્રમાં વ્યવસ્થા વખાણવા લાયક
બીકેસી કેન્દ્રમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવા વિલેપાર્લે પશ્ચિમથી આવેલા રચના કપાસી (38) અને તેમના પતિ કિંજલ શરદ શાહ (41) એ જણાવ્યું હતું કે કોવિન એપ્લિકેશન પર રજિસ્ટર કરાવ્યા બાદ અમને પાલિકાએ રાતે બે વાગ્યે સંદેશ મોકલ્યો હતો કે તમારી અપોઇન્ટમેન્ટ બુક થઇ ગઇ છે. શનિવારે પહેલા જ દિવસે અમને બપોરે એકથી બે વાગ્યાનો સ્લોટ અપાયો હતો. બીકેસીમાં વ્યવસ્થા ઘણી સારી હતી. અમને બે વાગ્યા સુધીમાં ઘરે જવાની રજા આપી દેવાઇ હતી. પહેલો ડોઝ લીધા બાદ અમને બંનેને કોઇ આડઅસર થઇ નથી. પાલિકાએ ઘણી સારી વ્યવસ્થા કરી છે. એક સારો અનુભવ રહ્યો. સામાજિક અંતરનું પણ ખૂબ જ ધ્યાન રખાયુ હતું. મારા બંને પરિવાર (સાસરા અને પિયર)માંના આઠ જણે રસીના બંને ડોઝ લઇ લીધા છે. તમામની તબિયત સારી છે. કોઇને પણ આડઅસર થઇ નહોતી. મારા પિતા ઉદય કપાસી 70 વર્ષના છે તેમને પણ રસી લીધા બાદ કોઇ આડઅસર જણાઇ નહોતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer