પંજાબ સામે દિલ્હી સર કરવાનો પડકાર

પંજાબ સામે દિલ્હી સર કરવાનો પડકાર
બન્ને ટીમનું લક્ષ્ય વિજયક્રમ જાળવી રાખવાનો
અમદાવાદ, તા.1: આરસીબી સામેની શાનદાર જીતથી ફોર્મમાં વાપસી કરનાર પંજાબ કિંગ્સ રવિવારના બીજા મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ મેદાને પડશે. ત્યારે લોકેશ રાહુલના સુકાનીપદ હેઠળની પંજાબની ટીમનું લક્ષ્ય વધુ એક જીત સાથે પોઇન્ટ ટેબલ પર ઉપર આવવાનું રહેશે. આરસીબી સામેના મેચમાં પંજાબ માટે સિઝનનો પહેલો મેચ રમનાર હરપ્રિત બ્રાર છૂપો રૂસ્તમ સાબિત થયો હતો. તેણે 19 રનમાં 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રવિ બિશ્નોઇએ 19 રનમાં 2 વિકેટ લઇને મેચનો નકશો બદલીને પંજાબને જીત અપાવી હતી. સુકાની રાહુલે પણ 91 રનની અણનમ ઇનિંગ રમીને આરસીબીને દબાણમાં લાવી દીધું હતું. જો કે પંજાબના બોલરોની દિલ્હી સામે કસોટી નક્કી છે. દિલ્હીના બે ઓપનર શિખર ધવન (311) અને પૃથ્વી શો (269) શાનદાર ફોર્મમાં છે. આ બન્ને ખેલાડી 71 ચોક્કા અને 15 છક્કા ફટકારી ચૂકયા છે. તેને રોકવા પંજાબના બોલરો માટે પડકાર બની રહેશે.
પંજાબના ગૂગલી બોલર રવિ બિશ્નોઇ સામે દિલ્હીના કપ્તાન ઋષભ પંત અને સ્ટાર સ્ટિવન સ્મિથ ચુનૌતિ બની રહેશે. આ બન્ને બેટસમેન સ્પિનરો સામે મીડવિકેટ પર રમવાની ટેવ ધરાવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સ્પિનરની પકડ મજબૂત રહી છે. આથી વચ્ચેની ઓવરોમાં બેટસમેનો માટે ઇનિંગ આગળ વધારવી મુશ્કેલ બને છે. આથી ફોર્મમાં ચાલી રહેલ પંજાબનો સુકાની રાહુલ ટોસ જીતવાની સ્થિતિમાં પહેલા દાવ લેવાનો નિર્ણય લઇ શકે છે.
દિલ્હીની ટીમમાં અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાની વાપસી થઇ શકે છે. જેથી લલિત યાદવને બહાર બેસવું પડી શકે છે. આ મેચમાં ફરી એકવાર તમામની નજર યુવા પૃથ્વી શો પર રહેશે. જેણે પાછલા મેચમાં કેકેઆરના બોલર શિવમ માવીની ઇનિંગની પહેલી ઓવરમાં જ 6 ચોક્કા ફટકાર્યાં હતા. જ્યારે પંજાબના ઓલરાઉન્ડર હરપ્રિત બ્રારે પહેલા ઝડપી 25 રન કર્યાં અને બાદમાં કોહલી, મેકસવેલ અને ડિ'વિલિયર્સની વિકેટ લઇને પંજાબને જીત અપાવી હતી. પંજાબની ચિંતા બેટિંગ છે. કેપ્ટન રાહુલ (331)ને છોડીને અન્ય કોઇ બેટધર સતત સારો દેખાવ કરી રહ્યા નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer