જીતની શોધમાં તળિયાની બે ટીમ રોયલ્સ-સનરાઇઝર્સ આજે આમને-સામને

જીતની શોધમાં તળિયાની બે ટીમ રોયલ્સ-સનરાઇઝર્સ આજે આમને-સામને
નવી દિલ્હી તા.1: ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવારે રમાનાર આઇપીએલના પહેલા મેચમાં આમને-સામને હશે. ત્યારે બન્ને ટીમની નજર ફોર્મમાં વાપસીની કોશિશની રહેશે. રોયલ્સના 6 મેચમાં 4 અને સનરાઇઝર્સના 6 મેચમાં 2 પોઇન્ટ છે. બન્ને ટીમ તળિયે છે. રાજસ્થાને આ સિઝનમાં સંજૂ સેમસનને કપ્તાન બનાવ્યો છે, પણ તેના સુકાનીપદ હેઠળ ટીમ સારો દેખાવ કરી શકી નથી. ટીમને ઇજાનો પ્રશ્ન પણ નડી રહ્યો છે. બીજી તરફ સનરાઇઝર્સ માટે આ સિઝનમાં વોર્નર સફળ સાબિત થયો નથી. આથી અધવચ્ચેથી તેને દૂર કરીને કેન વિલિયમ્સનને સુકાનીપદનો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો છે. તે રાજસ્થાન વિરૂધ્ધના મેચથી હૈદરાબાદની કપ્તાની કરશે.
રાજસ્થાનનો કેપ્ટન સંજૂ સેમસન પહેલા મેચમાં 119 રનની આતશી ઇનિંગ બાદ ચાલ્યો નથી. આ ઉપરાંત ટીમનો સ્ટાર બેટસમેન જોસ બટલર 6 મેચમાં એક પણ અર્ધસદી કરી શકયો નથી. મીડલઓર્ડરમાં ડેવિડ મીલર ફકત એક અર્ધસદી કરી શકયો છે. જયારે રિયાન પરાગનો સર્વાધિક સ્કોર 2પ છે. રાહુલ તેવતિયા પાછલી સિઝન જેવો પ્રભાવ છોડી રહ્યો નથી. 16 કરોડના મોંઘા ક્રિસ મોરિસે 6 મેચમાં 11 વિકેટ લીધી છે, પણ મેચનો નકશો બદલીને જીત અપાવી શકયો નથી. બોલિંગમાં ઉનડકટના નામે 4, મુસ્તાફિઝૂરના નામે પ અને યુવા ચેતન સાકરિયાએ 7 વિકેટ લીધી છે. ટીમને સતત જોફ્રા આર્ચર અને બેન સ્ટોકસની ખોટ વર્તાઇ રહી છે. જે બન્ને ઇજાને લીધે આઇપીએલમાંથી બહાર થઇ ગયા છે.
બીજી તરફ સનરાઇઝર્સ પાછલા બન્ને મેચ હારી ચૂકી છે. દિલ્હી સામે તેને સુપર ઓવરમાં હાર મળી હતી. વોર્નર, પાંડે, બેયરસ્ટો અને વિલિયમ્સન એક ટીમના રૂપમાં સાથે મળીને દેખાવ કરી રહ્યા નથી. રાશિદખાનને કોઇ બોલરનો સહયોગ મળી રહ્યો નથી. ભુવનેશ્વરે ફકત 3 વિકેટ જ લીધી છે. જયારે નટરાજન ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer