અમેરિકાસ્થિત ગુજરાતીઓની સાથે વિજય રૂપાણીએ કર્યો વર્ચ્યુઅલ વાર્તાલાપ

અમેરિકાસ્થિત ગુજરાતીઓની સાથે વિજય રૂપાણીએ કર્યો વર્ચ્યુઅલ વાર્તાલાપ
રાજેન્દ્ર વોરા તરફથી
લોસ એન્જેલીસ, તા. 1 : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, નિષ્ણાત તબીબો, સિનિયર એસોસિએશનના સભ્યો સાથે ગુજરાતમાં કોવિડ સંદર્ભે ગાંધીનગર ખાતેથી આજે ઇ-બેઠક અને સંવાદ યોજાયો હતો.  
જેમાં અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાત-ગુજરાતીઓને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ સંશાધનો અને સીએમ રીલિફ ફંડમાં આર્થિક સહયોગ કરવાની પહેલને મુખ્ય પ્રધાન રૂપાણીએ આવકારીને પોતાના વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓ વતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને વિવિધ મદદ માટે કરાયેલા સૂચનના યોગ્ય સંકલન માટે મુખ્ય પ્રધાન રૂપાણીએ વિદેશમાંથી સીએમ રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમ જ અમેરિકાથી ગુજરાતમાં વેક્સિન, અૉક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ અૉફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી. 
મુખ્ય પ્રધાન રૂપાણીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં સંભવત તમામ સ્રોતનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબનો અૉક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા નવા અૉક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.  
તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સંક્રમણ અટકાવવા મોટા શહેરોની સાથે સાથે વધુ 29 શહેરોમાં કોરોના કરફ્યુ, એસએમએસનું કડક પાલન, રાજ્યમાં વધુમાં વધુ વૅક્સિનેશન થાય તે માટે વિશેષ અભિયાન તેમ જ કોરોના ટેસ્ટિગ, ટ્રાસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્તમ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે દૈનિક પોણા બે લાખ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. 
અમેરિકામાંથી કોરોનાની વૅક્સિન સીધી ગુજરાતમાં ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધવા મુખ્ય પ્રધાને નોર્થ અમેરિકાસ્થિત ગુજરાતીઓને અનુરોધ કર્યો હતો. 
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ગુજરાતમાં હજારો સંજીવની રથ અને ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘરે બેઠા જ કોરોનાની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, જેના કારણે હૉસ્પિટલ ઉપરનું ભારણ ઘટી રહ્યું છે. મારું ગામ કોરોનામુક્ત ગામ બને તે દિશામાં પણ આપણે ગામ લોકોના સહયોગથી આગળ વધી રહ્યા છીએ.
કેલિફોર્નિયાસ્થિત જીઓએનએના ઉપક્રમે યોજાયેલી આ ઇ-બેઠકમાં ઉપસ્થિતિ તમામ અમેરિકન ગુજરાતીઓએ ગુજરાતને અૉક્સિજનની અછત દૂર કરવા, અૉક્સિજન કોન્સન્ટ્રેટર, જરૂરી સંશાધનો, રેમડેસિવિર ઇન્જેક્શન, ફાઇઝર વૅક્સિન સીધી ગુજરાતને ઉપલબ્ધ કરાવવી તેમ જ સીએમ રિલીફ ફંડમાં આર્થિક સહયોગ સહિતની જરૂરી તમામ મદદ કરીને આ કપરા સમયમાં માદરે વતનનું ઋણ અદા કરવાની તૈયારી દર્શાવી હતી. 
આ ઇ-બેઠકમાં મુખ્ય પ્રધાન રૂપાણી સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી જીઓએનએના પ્રમુખ પ્રમોદ મિસ્ત્રી, ટીવી એશિયાના ન્યૂજર્સીના ચૅરમૅન-સીઈઓ પદ્મશ્રી ડૉ. એચ. આર. શાહ, ઇન્ડિયા એસોસિએશન અૉફ લોસ એન્જલસના ઉપપ્રમુખ કનકાસિંહ ઝાલા, જીઓએનએના ઉપપ્રમુખ અમિત પાઠક, ન્યૂયોર્કસ્થિત અમનિલ ફાર્માસ્યુટિકલ્સના સીઓ-સીઈઓ ચિન્ટુ પટેલ, ચિકાગોસ્થિત ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટરના ડૉ. ભરત બરાઈ, ભારતીય વિદ્યાભવન યુએસએના ચૅરમૅન ડૉ. નવિન મહેતા, પેન્નસીલવાનીયાના ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિઠ્ઠલ ધડુક, લોસ એન્જલસસ્થિત સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઇ શાહ, સુનિલ અગ્રવાલ, બીએપીએસ નોર્થ અમેરિકાના ભરતસિંહ ઝાલા તેમ જ જૈન સોશિયલ ગ્રુપ- બેવર્લી હિલ્સના પ્રમુખ અને જન્મભૂમિ ગ્રુપના માનદ્ સંવાદદાતા રાજેન્દ્ર વોરા સહિત વિવિધ પેનલિસ્ટે કોરોના મહામારીમાં સહયોગ માટે સંવાદ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.  
બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અશ્વીનીકુમારે ગુજરાતમાં મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં સરકારે કોરોના મહામારી અટકાવવા સંદર્ભે કરેલી કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને સૌને માહિતગાર કર્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer