બે મહિનાની બાળકીએ હૃદયની બીમારી અને કોરોનાને હંફાવ્યા

બે મહિનાની બાળકીએ હૃદયની બીમારી અને કોરોનાને હંફાવ્યા
મુંબઈ, તા. 1 :  એક નવજાત બાળકી આરોગ્ય સંબંધી બમણા પડકારોનો સામનો કરીને ઘરે પરત ફરી છે. આ બાળકીને હૃદયની જન્મજાત ખામી હતી અને જન્મના એક મહિના પછી એ કોરોના સંક્રમિત થઈ હતી. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈ (કેડીએએચ)માં સારવાર આપવામાં આવી હતી અને તેણે બંને સમસ્યામાંથી મુક્તિ મેળવી છે. ક્રિષ્ના અગ્રવાલની નવજાત પુત્રીને મહારાષ્ટ્રના નંદુરબારમાંથી હૃદયની ગંભીર ખામી અને તાત્કાલિક સર્જરીની જરૂરિયાત માટે કેડીએએચમાં રેફર કરવામાં આવી હતી. આ બાળકી હૉસ્પિટલમાં ભરતી કરવાના સમયે કોવિડ પૉઝિટિવ હોવાની જાણકારી મળી હતી. કોવિડને કારણે કાર્ડિયાક સર્જરી પછી નબળા પરિણામ મળવાની શક્યતા હોવાથી સર્જરી બે અઠવાડિયા મોકૂફ રાખવામાં આવી હતી. સૌપ્રથમ કોવિડ આઇસીયુમાં બાળકીની કોવિડ માટે સારવાર કરવામાં આવી હતી. એના હૃદયની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી અને કોવિડમાંથી સંપૂર્ણ સાજી ન થાય ત્યાં સુધી એને સારવાર આપવામાં આવી હતી. કોવિડની દૃષ્ટિએ સલામત ગણાતા ગાળા બે અઠવાડિયા પછી બાળકી પર સર્જરી કરવામાં આવી હતી. બાળકીએ જાટિલ ઓપન હાર્ટ કરેક્ટિવ કાર્ડિયાક સર્જરીમાં સારો પ્રતિસાદ આપ્યો હતો અને અૉપરેશન પછી ઝડપથી સાજી થઈ હતી. એક મહિનો હૉસ્પિટલમાં સારવાર આપ્યા પછી 25  એપ્રિલના રોજ એને રજા આપવામાં આવી હતી.  
આ વિશે કેડીએએચના ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરના ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક ઍન્ડ કન્જેનિટલ હાર્ટ સર્જન ડૉ. સુરેશ રાવે કહ્યું હતું કે, `એક મહિનાની નવજાત બાળકીને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી એ સમયે એનું વજન ફક્ત ત્રણ કિલો હતું અને અૉક્સિજન સેચ્યુરેશનનું સ્તર 86 ટકા જેટલું ઓછું હતું. નવજાત બાળકી ઓબસ્ટ્રક્ટેડ ટોટલ એનોમલસ પલ્મોનરી વેનસ કનેક્શન (ટીએપીવીસી) નામે ઓળખાતી હૃદયની જન્મજાત સમસ્યા ધરાવતી હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે ફેંફસામાંથી અૉક્સિજન ધરાવતું લોહી ડાબા કર્ણક (હૃદયમાં ઉપરનું ડાબી બાજુનો ભાગ)માં આવે છે, જ્યાંથી લોહી સંપૂર્ણ શહેરમાં વહે છે. જોકે આ કેસમાં ફેંફસામાંથી આવતી રક્તવાહિનીઓ હૃદયના ડાબી બાજુને બદલે જમણી બાજુએ જોડાયેલી હતી, જેથી શરીરને પર્યાપ્ત અૉક્સિજન મળતો નહોતો તેમજ ફેંફસાના ઊંચા દબાણ સાથે ફેંફસા જકડાઈ ગયા હતા. બાળકીની સ્થિતિ ગંભીર હતી એમાં કોઈ શંકા નહોતી અને આ ખામી દૂર કરવા તાત્કાલિક સર્જરીની જરૂર હતી.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer