આજે પાંચ રાજ્યનું રાજકીય ભાવિ ખૂલશે : સૌની નજર પશ્ચિમ બંગાળ પર

નવી દિલ્હી, તા. 1 : દેશમાં કોરોનાકાળ વચ્ચે યોજવામાં આવેલી પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે એકસાથે જાહેર થશે તે સાથે જ રાજકીય ઊથલપાથલ કે સત્તા જાળવવાના દાવાઓ અને અટકળો પર પણ પરદો પડી જશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામો જાહેર કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે સાંજ સુધીમાં આ રાજ્યોનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 
આ વર્ષે 27 માર્ચથી 29 એપ્રિલ સુધીમાં કુલ આઠ તબક્કામાં મતદાન ધરાવતી આ ચૂંટણીઓમાં સૌની નજર બંગાળ પર છે કેમ કે અહીં પીએમ મોદી અને અમિત શાહની જોડીએ પ્રચારમાં પૂરી તાકાતથી ઝંપલાવીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હતો. આ બધા છતાં જો બંગાળમાં મમતા બેનરજી સત્તા જાળવવામાં સફળ થશે તો મમતા રાષ્ટ્રીય સ્તરે મોદી સરકાર સામે નેતૃત્વ માટેના સૌથી મોટા દાવેદાર બની જશે.
પશ્ચિમ બંગાળમાં આઠ ચરણમાં 294 બેઠકમાંથી 292 બેઠક માટે મતદાન થયું હતું. રાજ્યના મતદાતાઓ મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા અને દરેક તબક્કામાં ભારે મતદાન નોંધાયું હતું તો દરેક તબક્કો હિંસાથી પણ ખરડાયો હતો. અહીં સત્તાધારી તૃણમૂલ અને ભાજપ ઉપરાંત ડાબેરી-કોંગ્રેસ જોડાણ મેદાનમાં છે. એકિઝટ પોલમાં અહીં ભાજપ-તૃણમૂલ વચ્ચે કાંટાની ટક્કરની આગાહી કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer