દિલ્હી સરકાર સામે હાઈ કોર્ટનો આક્રોશ : હવે હદ થઈ, પાણી માથાંથી ઉપર ગયું છે

સૈન્યની મદદ લેવા કેજરીવાલ સરકારને તાકીદ
નવી દિલ્હી, તા. 1 : દિલ્હીમાં ઓક્સિજનની અછત, બેડ, દવાઓની અછત સહિત મુદ્દે સુનાવણી કરતાં શનિવારે દિલ્હીની વડી અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપતાં કહ્યું હતું કે, પાણી માથાંથી ઉપર ચાલ્યું ગયું છે. કેન્દ્ર કોઈ પણ સંજોગોમાં દિલ્હીને આજે જ તેના ક્વોટાનો ઓક્સિજન આપે. બીજીતરફ, દિલ્હી સરકારને સેનાની મદદ લેવા પણ હાઈકોર્ટે જણાવ્યું હતું. દરમ્યાન, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજનની અછતથી દર્દીઓનાં મોત થવાના સમાચાર ભારે પીડાકારી હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર તરફથી યોગ્ય સમય પર `જીવનરક્ષક' વાયુ મળી ગયો હોત તો મોટી સંખ્યામાં દર્દીઓના જીવ બચી ગયા હોત તેવું તેમણે ઉમેર્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંકટ મામલે સુનાવણી કરતાં શનિવારે દિલ્હીની હાઈકોર્ટે કેજરીવાલ સરકારને પૂછ્યું હતું કે, ફીલ્ડ હોસ્પિટલ ઊભી કરવા માટે સેનાની મદદ કેમ નથી લેતા ?
સેના પાસે અલગ પ્રકારની ટેકનિક છે. તરત મદદ લ્યો, અમે બેડ વધારવા જઈ રહ્યા છીએ તેવું કહેવાથી સમસ્યા નહીં ઉકેલાય, તેવું વડી અદાલતે જણાવ્યું હતું.
બીજી તરફ, દિલ્હીની સરકારે તર્ક?આપ્યો હતો કે, અમે જાતે બેડની સંખ્યા વધારી રહ્યા છીએ. અમે, 15 હજાર બેડની સંખ્યા વધારશું. તો પછી સેનાની મદદ લેવા પર લગાતાર જોર શા માટે અપાય છે ? હાઈકોર્ટે કહ્યું હતું કે, આ સમયમાં સહિયારા પ્રયાસો જરૂરી છે. ઓક્સિજન વગર બેડ વધારાનો કોઈ ફાયદો નથી. એક અરજીમાં ખુદ નેતાઓ દવાના કાળાબજાર કરે છે, તેવો આરોપ મુક્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer