નવા સપ્તાહમાં લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે સમયાંતરે રોકાણ કરવું હિતાવહ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : દેશમાં કોરોનાના સેકેન્ડ વેવનો પ્રકોપ વધતા સપ્તાહ દરમિયાન શૅરબજારમાં તોફાની વધઘટ જોવા મળી હતી. જોકે, બજાર છેલ્લા ત્રણ અઠવાડિયાના દબાણમાંથી બહાર આવ્યું હતું. બજારમાં તેજી-મંદીની રસ્સીખેંચમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) ચતુર સાબિત થયા હતા. તેમણે એપ્રિલમાં રૂા. 9900 કરોડથી પણ વધુની ખરીદી કરી હતી, જે ભારતીય કંપનીઓની કપરાં સમયમાંથી બહાર આવવાની ક્ષમતા પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમિત મોદીએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)એ સતત છ મહિના સુધી લેવાલી કર્યા બાદ કોરોનાના સેકેન્ડ વેવની ગંભીરતા જોતા રૂા. 8500 કરોડની વેચવાલી કરી હતી. આથી આગામી સપ્તાહે એફપીઆઈ અને ડીઆઈઆઈની ચાલ ઉપર બજારની દિશા નક્કી થશે.
સંસ્થાકીય રોકાણકારો કઈ પોઝિશન લેવી એ નક્કી કરી રહ્યા હતા ત્યારે રિટેલ રોકાણકારોએ માર્ચ ત્રિમાસિક પરિણામોનું અવલોકન કરી ચોક્કસ શૅર્સમાં સોદા કર્યા હતા. ભારતની સરખામણીએ યુએસના શૅરબજારોમાં રોકાણકારોનો આત્મવિશ્વાસ વધુ છે, કારણ કે ત્યાં રસીકરણમાં ઝડપ છે અને અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું છે. ઉપરાંત યુએસ ફેડએ વ્યાજદર યથાવત્ રાખ્યા છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે બોન્ડની ખરીદી આગળ વધશે. જેથી મૂડીબજારમાં લિક્વિડિટી રહેશે અને તેથી ઈક્વિટી રોકાણકારોને રાહત રહેશે. અમેરિકાના બજારો રેકર્ડ હાઈને સ્પર્શી શકે છે જ્યારે ભારતીય શૅરબજારો સ્થિર રહેશે. રોકાણકારોએ ચોક્કસ શૅર્સની ખરીદી લાંબા ગાળાની દૃષ્ટિએ લેવી જોઈએ.
ભારતમાં કોરોનાના પ્રકોપ વચ્ચે પણ રૂપિયો ડૉલર સામે મજબૂત થતા અચંબો થયો છે. ભારતમાંથી વિદેશી નાણાપ્રવાહની જાવક થઈ છે અને એશિયાના અને બજારોમાં તે નાણાંનું રોકાણ થયું છે. વર્તમાનમાં રૂપિયો રેન્જ રૂા. 74-75.5ની રેન્જમાં હોવાથી આરબીઆઈએ હાલ આ બાબતે કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નહીં પડે.
ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટી-50 આગામી સપ્તાહમાં વધશે. બૅન્ક નિફ્ટીમાં પણ વિકલી કેન્ડલ ચાર્ટ સકારાત્મક છે. અમે ટ્રેડર્સને સલાહ આપીએ છીએ કે તેઓ સાવચેતી રાખીને મંદીનું વલણ રાખે, કારણ કે નિફ્ટી ટ્રેન્ડલાઈનથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેમ જ લોન્ગ પોઝિશન માટે ટ્રેડરોએ 14,450ના સ્તરની નીચે સ્ટોપલોસ રાખવા.  
આગામી સપ્તાહે કંપનીઓની માર્ચ ત્રિમાસિક આવક અને કોરોના વિશે નિયંત્રણો કેવા કઠોર રહે છે તે ઉપર નજર રહેશે. બજારમાં તોફાની વધઘટનો માહોલ ચાલુ રહેશે. જોકે, શૅરબજારમાં હળવું કરેકશન આવી શકે છે. લાંબા ગાળાનો વ્યૂહ રાખીને રોકાણકારોએ સમયાંતરે રોકાણ કરવાની સલાહ જીમિત મોદીએ આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer