રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દરરોજ એક હજાર ટન મેડિકલ ગ્રેડના લિક્વિડ અૉક્સિજનનો પુરવઠો કરશે

મુંબઈ, તા. 1 : કોવિડ મહામારીની નવી લહેરની સામે ભારત ઝઝૂમી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કિંમતી જિંદગીઓ બચાવવા માટે તેના તમામ પ્રયાસો કામે લગાડવા માટે મેદાને ઉતર્યું છે. સમગ્ર દેશમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓ માટે મેડિકલ ગ્રેડનો અૉક્સિજન ઉપલબ્ધ કરાવવો એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. પરંપરાગત રીતે રિલાયન્સ મેડિકલ ગ્રેડના અૉક્સિજનનું ઉત્પાદન કરતું નથી. તેમ છતાં મહામારી અગાઉ કોઈ વ્યવસ્થા ન હોવા છતાં શૂન્યથી શરૂઆત કરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અત્યારે એક જ સ્થળેથી સૌથી વધુ ઉત્પાદન કરનારો ભારતનો સૌથી મોટી ઉત્પાદક બની છે. કંપની અત્યારે પ્રતિ દિવસે 1000 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડના અૉક્સિજનનુન ઉત્પાદન કરે છે - એમ કહી શકાય કે ભારતના કુલ ઉત્પાદનના 11 ટકા એટલે કે પ્રત્યેક દસ દર્દીઓમાં એકની જરૂરિયાત પૂરી કરી શકશે.
ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ પોતાની વ્યક્તિગત દેખરેખ હેઠળ જામનગરસ્થિત રિલાયન્સના એકમમાં મેડિકલ અૉક્સિજનની ઉપલબ્ધતાને મજબૂત કરવા માટે દ્વિપક્ષી અભિગમ અપનાવ્યો છે.
આ અંગે ટિપ્પણી કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે `ભારત જ્યારે કોવિડ-19 રોગચાળાના નવી લહેરની સામે લડી રહ્યું છે ત્યારે મારા તેમ જ રિલાયન્સમાં અમારા બધા માટે દરેક જીવન બચાવવાથી વધારે મહત્ત્વપૂર્ણ કશું જ નથી. ભારતની મેડિકલ અૉક્સિજન ઉત્પાદન અને પરિવહન ક્ષમતા ઉચ્ચતમ સ્તરે લઈ જવાની તાત્કાલિક જરૂર છે. આ નવા પડકારને પહોંચી વળવા માટે રાષ્ટ્રપ્રેમથી છલકતી ત્વરીતતાની ભાવના સાથે અથાગ પરિશ્રમ કરનારા જામનગરના અમારા એન્જિનિયરો પર મને ગર્વ છે. ભારતને જ્યારે સૌથી વધારે જરૂરિયાત છે ત્યારે ફરીથી એક વખત પડકારને ઝીલી લઈને અપેક્ષિત પરિણામો આપનારા રિલાયન્સ પરિવારના તેજસ્વી, યુવાન સભ્યોએ દર્શાવેલી પ્રતિબદ્ધતા અને યથાર્થતાથી હું સાચા અર્થમાં વિનમ્ર બન્યો છું.'
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચૅરમૅન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે `આપણો દેશ અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જે કોઈ પણ પ્રકારની મદદ થઈ શકે છે તે ચાલુ રાખીશું. દરેક જીવન મૂલ્યવાન છે. અમારી જામનગર રિફાઈનરીમાં આવેલા પ્લાન્ટસમાં રાતોરાત બદલાવ કરીને મેડિકલ ગ્રેડ લિક્વિડ અૉક્સિજન ઉત્પાદન કરવામાં આવે છે. જેને હાલમાં સમગ્ર ભારતમાં વિતરીત કરવામાં આવી રહ્યો છે. અમારી લાગણી અને પ્રાર્થના સાથી દેશવાસીઓ સાથે છે. સાથે મળીને આપણે આ મુશ્કેલ સમયમાં જીત મેળવીશું.'
મેડિકલ ગ્રેડનો લિક્વિડ અૉક્સિજન 99.5 ટકા શુદ્ધતા સાથે માઈનસ 183 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ઉત્પાદિત કરાય છે. સમગ્ર દેશની અનેક રાજ્ય સરકારોને આ અૉક્સિજન વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. જેથી દરરોજ એક લાખથી વધુ દર્દીઓને તાત્કાલિક રાહત મળે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer