પત્રકારોને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવા ભાજપની માગણી

મુંબઈ, તા. 1 : ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લોકશાહીના ચોથા સ્તંભ પત્રકારોને લોકલ ટ્રેનમાંથી પ્રવાસ કરવાની છૂટ આપવા સંબંધી પરિપત્રક બહાર પાડવાની વિનંતી કરી છે. ગુરુવાર, 15 એપ્રિલથી લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાગુ કરતી વખતે ટ્રેનમાં પ્રવાસ ફક્ત સરકારી અને તબીબી કર્મચારીઓને જ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો હોઈ પત્રકારોને તેમાંથી બાકાત રખાયા છે, એ સંબંધે લાડે પત્ર લખ્યો છે. 
અત્યાવશ્યક સેવાના કર્મચારી અને ફ્રેન્ટલાઈન કર્મચારીઓને ટ્રેનમાંથી પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે અત્યાવશ્યક સેવામાં આવતા પત્રકારોને બાકાત કરવામાં આવ્યા છે. પત્રકારો અત્યાવશ્યક સેવામાં આવવા છતાં તેમને ટ્રેનમાં પ્રવાસથી કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે એવો પ્રશ્ન તેમણે કર્યો છે. 
પોતાના જાનની પરવા કર્યા વિના પત્રકારો ફિલ્ડ પર ઊતરીને સામાન્ય જનતા સુધી માહિતી પહોંચાડવાનું કામ અવિરત કરી રહ્યા છે. કોરોનાના કાળમાં તે બધાએ જોયું છે. આમ છતાં તેમને લોકલમાં પ્રવાસની છૂટ નહીં આપવી એ અસંવેદનશીલતા છે, એમ તેમણે જણાવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer