રાજ્યના પોલીસ વડાએ `સેટલમેન્ટ'' માટે દબાણ કર્યુ : પરમબીર સિંહનો આક્ષેપ

મુંબઈ, તા. 1 : મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડે સામે આક્ષેપો મૂકયા છે કે પાંડે પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામેના આક્ષેપોનો કેસ પાછો ખેંછવા દબાણ કરી રહ્યા છે. સિંહે પોતે સેટલમેંટ કરવા તૈયાર હોવાનું જણાવી પોતાના પર મૂકેલા આક્ષેપો અને કેસ પાછા ખેંચવાની વાત જણાવી છે. આ મામલે પરમબીસ સિંહે સીબીઆઇને પત્ર લખીને આરોપ મૂકયો છે કે તેના પર પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુધ્ધ કરેલા આક્ષેપો પાછા ખેંચી લેવા દબાણ કરાઇ રહ્યું છે. સિંહે આ વાત અદાલતમાં દાખલ કરેલી બીજી અરજીમાં જણાવી છે. આ અરજીમાં સિંહે રાજ્ય સરકાર દ્વારા તેમની વિરુધ્ધ શરૂ કરાયેલી કાર્યવાહી અને તપાસ પર સ્ટે મૂકવામાં આવે એમ જણાવ્યું છે. 
પરમબીર સિંહે સીબીઆઇને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પંદરમી એપ્રિલે સંજય પાંડે દ્વારા રાજ્યના નવા ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 19 એપ્રિલે તેમણે મને મુલાકાત માટે બોલાવ્યા હતા. તે સમયે સંજય પાંડેએ સિંહને સલાહ આપી હતી કે સિસ્ટમ સાથે લડવાનો કોઇ ફાયદો નથી. તમે પૂર્વ ગૃહપ્રધાન વિરુધ્ધ મૂકેલા તમામ આરોપો પાછા ખેંચી લો તો તમારી સામેની તપાસ અટકાવી દેવાશે. તમે એક હાથે સેટલમેંટ કરો બીજા હાથે આરોપોમાંથી મુકત થઇ જાઓ. 
નોંધનીય છે કે રાજ્ય સરકારે પહેલી એપ્રિલ તથા વીસમી 
એપ્રિલે પરમબીર સિંહ વિરુધ્ધ બે મામલે તપાસના આદેશ આપ્યા છે. આ બંને તપાસ ડીજીપી સંજય પાંડેને કરવાના આદેશ સરકારે આપ્યા છે. 
પરમબીર સિંહ અનુસાર તેઓ શિષ્ટાચાર મુલાકાત માટે સંજય પાંડેની ઓફિસે ગયા હતા તે સમયે સીબીઆઇ તપાસનો મુદ્દો પાંડેએ જ ઉઠાવ્યો હતો.  પરમબીર સિંહે સીબીઆઇને લખેલા પત્રમાં સંજય પાંડે સાથેની વાતચીતના હવાલા સાથે વ્હોટ્સ એપ કોલ અને ચેટ પણ સીબીઆઇને મોકલ્યા છે. પરમબીરે આ તમામ કોલ પાંડેની પરવાનગી વિના રેકોર્ડ કર્યા હતા. સિંહ અનુસાર વ્યકિતગત મુલાકાત ઉપરાંત પાંડે સાથે તેમણે ત્રણ વાર વ્હોટ્સ એપ કોલ પર વાતચીત કરી હતી. 
પરમબીર સિંહ સામેની એફઆઇઆર કલ્યાણ પોલીસ સ્ટેશનમાં મોકલાઇ
મુંબઇ તથા થાણેના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સહિત 33 જણ સામે એટ્રોસિટી એકટની વિવિધ કલમો સહિત 27 અન્ય કલમો હેઠળ અકોલાની સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં 28 એપ્રિલે દાખલ થયેલા ગુનાને કલ્યાણ શહેરમાંના એક પ્રકરણ સાથે સંબંધ હોવાથી સ્થાનિક બજારપેઠ પોલીસ સ્ટેશનમાં શિફટ કરાયો હતો. પોલીસ અધિકારી ભીમરાજ ધડગેએ આ મામલે જ ફરિયાદ દાખલ કરી હતી. 
છ ઓકટોબર 2013ના દિવસે ધડગે બજારપેઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી તરીકે કાર્યરત થયા હતા. આ ઠેકાણે એક બાંધકામ મામલે છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ તેની તપાસ ધડગેને સોંપવામાં આવી હતી. આ મામલે મૃત વ્યકિતના નામે બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી. આ મામલે 26 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં બિલ્ડર સહિત કલ્યાણ ડોંબિવલી મહાપાલિકાના ત્રણ કમિશનર અનેન્ગર રચના વિભાગના અન્ય અધિકારિઓનો સમાવેશ થયેલો હતો. આ ગુનામાં પુરાવા હોવા છતાં સિંહે ગુનામાંથિ કમિશનર અને પાલિકાના કર્મચારીઓ સામેની ફરિયાદ રદ કરવાના આદેશ આપ્યા હતા. ધડગેએ નોંધાવેલી ફરિયાદમાં સિંહ ઉપરાંત તત્કાલીન ચાર ડેપ્યુટી પોલીસ કમિશનર, તત્કાલીન વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. આ મામલે તપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અનિલ પોવારને સોંપવામાં આવી છે. 
સીબીઆઇને દેશમુખની તપાસનો અહેવાલ સોંપવાની મંજૂરી સીબીઆઇની એક વિશેષ અદાલતે શુક્રવારે રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુધ્ધ પોતાની તપાસનો અહેવાલ સુપરત કરવાની પરવાનગી આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer