આઈસોલેશનમાંથી કોરોનાગ્રસ્તને હૉસ્પિટલમાં ખસેડવા સ્વતંત્ર નિયંત્રણ કક્ષ સ્થાપવા ઉદ્વવનો આદેશ

ત્રીજી લહેરમાં બાળકો ઉપર જોખમ સામે સરકાર સાવધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મૃત્યુદરને અંકુશમાં રાખવા કોરોનાના સૌમ્ય લક્ષણ ધરાવતા દરદીને ઘરમાંના આઇસોલેશનમાંથી ચોક્કસ ક્યારે હૉસ્પિટલમાં ખસેડવો જેથી તેનો જાન બની જાય. આ હેતુસર સ્વતંત્ર નિયંત્રણ કક્ષ શરૂ કરવો. તેની જવાબદારી વરિષ્ઠ અને નિવૃત્ત તબીબોને આપવી એવી સૂચના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી છે.
મુખ્ય પ્રધાને આજે મુંબઈ સહિત મુંબઈ મહાનગર ક્ષેત્રના બધા પાલિકા કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. તેમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં થવાનું જોખમ હોવાનું નિષ્ણાત તબીબો કહે છે. તે સ્થિતિને નિવારવા અને પહોંચી વળવા તૈયારી રાખવી. પ્રત્યેક પાલિકાએ પોતાના કાર્યક્ષેત્રમાં થોડા દિવસમાં અૉક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવવી તે માટે પાલિકાઓને કોઇના ઉપર આધાર રાખવો પડે નહીં. કોરોનાની પ્રથમ લહેરમાં વરિષ્ઠ નાગરિકો ઉપર વધુ જોખમ હોવાનું જોવા મળ્યું હતું. બીજી લહેરમાં 30થી 50 વર્ષની વયજૂથના નાગરિકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે. ત્રીજી લહેરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હૉસ્પિટલોમાં નાના બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ. પ્રત્યેક પાલિકાએ અૉક્સિજનની બાબતમાં આત્મનિર્ભર થવું જોઇએ. તેના માટે કોઇના ઉપર આધાર રાખવો પડે નહીં એવી વ્યવસ્થા ઉભી કરવી. દવાનો જથ્થો અને વેન્ટિલેટર્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તેનું ધ્યાન રાખવું એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
કોરોના ટાસ્ક ફોર્સના ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે સૌમ્ય અને લક્ષણરહિત દરદીની તબિયત અચાનક બગડવા માંડે છે. દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં વિલંબ થાય તો તેના કારણે મૃત્યુદર વધે છે. તે અંગે તેમણે રેમડેસિવિર અને સ્ટેરોઈડનો ઉપયોગ, પ્લાઝમાની ઉપયોગીતાની વાત માંડી હતી. ઉપરાંત ડૉ. જોશીએ રાત્રિના સમયે દરદીઓના મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. તેથી રાત્રિના સમયે દરદીની તબિયત ઉપર વિશેષ ધ્યાન રાખવાની જરૂર ઉપર ભાર મૂક્યો હતો.
થાણે, કલ્યાણ, ડોંબીવલી, મીરા-ભાઈંદર, પનવેલ, ભિવંડી-નિઝામપુર, નવી મુંબઈ અને વસઈ-વિરાર પાલિકાના આયુક્તોએ પોતાના કાર્યક્ષેત્રમાં દરદીઓની સંખ્યા સ્થિર થઈ રહી હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે દરદીઓની ગંભીર સ્થિતિમાં ચાલ્યા જવાનું રોકવાનો પડકાર યથાવત્ હોવાનું ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer