મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ખતરનાક : એપ્રિલમાં 17.46 લાખથી વધુ સંક્રમિતો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 1 : આ વર્ષના એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રમાં 17.46 લાખથી વધુ કોરોનાના કેસ ઉમેરાયા હતા. એ પહેલાના 196 દિવસમાં આટલા કેસ નોંધાયા હતા. આના પરથી રાજ્યમાં કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે એનો ખ્યાલ આવે છે. 
એક એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે કુલ 17,46,309 કોરોનાના કેસ મળ્યા હતા અને એ સાથે 30 એપ્રિલે કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 46,02,472ની થઈ ગઈ હતી. એક એપ્રિલના આ સંખ્યા 28,56,163ની હતી. 
ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રાજ્યમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 10,97,856ની હતી અને માત્ર 196 દિવસમાં એટલે કે એક એપ્રિલના આ સંખ્યા 28,56,163ની થઈ ગઈ હતી. 
એપ્રિલ મહિલામાં 13,915 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એક એપ્રિલમાં રાજ્યનો મૃત્યુઆંક 54,898નો હતો, જે વધીને 30 એપ્રિલના 68,813નો થઈ ગયો હતો. 15 અૉક્ટોબરના મૃત્યુઆંક 40,039 હતો અને એ પછી 167 દિવસમાં આ આંકડામાં 14,039નો વધારો થયો હતો અને મૃત્યુઆંક એક એપ્રિલના 54,898નો થયો હતો. 
રાજ્યમાં કોરોનાની ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. એપ્રિલ મહિનામાં કુલ 1,99,75,341 ટેસ્ટ કરવામાં આવી હતી. એ ઉપરાંત એક એપ્રિલના સાજા થયેલા દરદીઓની સંખ્યા 24,33,368 હતી, જે સંખ્યા વધીને 30 એપ્રિલે 38,68,976ની થઈ હતી. ટૂંકમાં એપ્રિલમાં 14,35,608 દરદી સાજા થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer