લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી : ઉદ્ધવ ઠાકરે

લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી : ઉદ્ધવ ઠાકરે
...તો 15મી એપ્રિલ પછી પરિસ્થિતિ વધુ ગંભીર
મહારાષ્ટ્રમાં 15મી એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે. રાજ્યમાં રેમડેસીવીરના ઇન્જેક્શનની ખેંચ છે. અૉક્સિજનની પણ ખેંચ ઊભી થઈ શકે છે. હાલ જે દરદીઓ મળી રહ્યા છે તેમાં યુવકોનું પ્રમાણ વધારે છે. કોરોના દરદીઓની સંખ્યામાં વધારો ચિંતામાં વધારો કરે એવી છે. તબીબી માળખાકીય સગવડો ઉપર તાણ વધી રહી છે એમ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ ઉમેર્યું હતું.
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : કોરોનાની પરિસ્થિતિ અતિગંભીર બની રહી છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે યોજેલી સર્વપક્ષીય બેઠકમાં આકરા લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી એમ જણાવી દીધું છે. મુખ્ય પ્રધાન આવતીકાલે કોરોના માટેના ટાસ્કફોર્સ સાથે બેઠક યોજવાના છે. ત્યાર પછી મુખ્ય પ્રધાન કયો નિર્ણય જાહેર કરે છે તેના ઉપર બધાની મીટ મંડાઈ છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં અંદાજ મેળવીને નિર્ણય લેશું. મહારાષ્ટ્રમાં કમસે કમ આઠ દિવસ માટે આકરા નિયમો અર્થાત લૉકડાઉન લાદવો પડશે. તેના સિવાય બીજો વિકલ્પ દેખાતો નથી. કોરોનાના દરદીઓની સંખ્યા વધી હોવાથી આ નિર્ણય લેવો પડી શકે છે. 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે. તે સમયે  અૉક્સિજનની પણ ખેંચ ઊભી થઈ શકે છે. કોરોનાની સાંકળી તોડવા માટે હવે લૉકડાઉન એ એકમાત્ર વિકલ્પ છે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે લૉકડાઉનમાં જે વર્ગને આજીવિકા ગુમાવવી પડી શકે તેઓ માટે ફાયનાન્સીય પૅકેજ જાહેર કરવાની ચર્ચા માટે સોમવારે બેઠક યોજશે. મુખ્ય પ્રધાન જે નિર્ણય લેશે તેને અમે ટેકો આપશું.
કૉંગ્રેસના નેતા અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું છે કે લૉકડાઉનનું સ્વરૂપ અને સમયગાળાને અમે ટૂંક સમયમાં જ અંતિમરૂપ આપશું અમે લોકોની જિંદગી અને રોજગારી બચાવવા માગીએ છીએ. મુખ્ય પ્રધાને યોજેલી વિવિધ પક્ષોના નેતાઓની અૉનલાઇન બેઠકમાં વરિષ્ઠ પ્રધાનો, મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષો-શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના અગ્રણીઓ, વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ તેમ જ કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પાટોલેએ ભાગ લીધો હતો.
ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં રેમડેસીવીર દવાની અછત છે. વધુમાં રસી કેવી રીતે ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે પગલા ભરવા જોઈએ. કોરોના માટે ટેસ્ટ કરાવીએ પછી તેનો અહેવાલ તત્કાળ મળવો જોઈએ. સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવે તો લોકોમાં તીવ્ર નારાજગી ફેલાશે.
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે મૃત્યુદર રોકવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવો જોઈએ.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં મહીને એક લાખ રેમડેસીવીર ઇન્જેક્શનોની જરૂર પડશે.
હાલ રાજ્યને રેમડેસીવીરના 50,000 ઇન્જેક્શનોની જરૂર છે એમ ટોપેએ ઉમેર્યું હતું.
ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે ભાજપ માને છે કે લૉકડાઉન આવશ્યક છે. આમ છતાં રાજ્ય સરકારે પહેલા લૉકડાઉનથી અસર પામે એવા લોકો માટે નાણાકીય પૅકેજ જાહેર કરવું જોઈએ.
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પાટોલેએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે. કોરોનાની સાંકળી તોડી પાડવા માટે સરકારે બધા પગલાં ભરવા જોઈએ. મુખ્ય પ્રધાન ઠાકરે લૉકડાઉન વિશે જે નિર્ણય લેશે તેને અમે સમર્થન આપશું. આમ છતાં અમે ઇચ્છીએ છીએ કે લૉકડાઉન ગત વર્ષની તુલનામાં લૉકડાઉન ઓછો સમસ્યારૂપ બને.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer