વિકએન્ડ લૉકડાઉનથી મુંબઈ નિર્જન

વિકએન્ડ લૉકડાઉનથી મુંબઈ નિર્જન
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ,તા. 10 : કોરોનાના પ્રકોપને કાબુમાં લેવા રાજ્યભરમાં શનિવાર-રવિવારે લાદવા વીકેન્ડ કર્ફ્યુને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રસ્તા અને બજારોમાં ભેંકાર ભાસતો હતો. શનિવારે મુંબઈ, પુણે, ઔરંગાબાદ અને નાગપુરમાં પણ રસ્તા અને બજારો ખાલીખમ જોવા મળ્યા હતા. 
પહેલા વીકેન્ડ લોકડાઉનની શરૂઆત શુક્રવારે રાત્રે આઠ વાગે થઈ હતી અને સોમવાર સવારે સાત સુધી એ ચાલશે. આ વીકેન્ડ લૉકડાઉન બાદના અન્ય પ્રતિબંધો (મિની લૅકડાઉન) 30 એપ્રીલ સુધી ચાલશે. 
તળ મુબઈમાં તો લોકડાઉનનું લોકોએ ચૂસ્તપણે પાલન કર્યું હતું અને તમામ વિસ્તારો નિર્જન દેખાતાં હતા. જોકે મધ્ય મુંબઈ અને પૂર્વીય મુંબઈની બજારોમાં લોકોની ગિરદી જાવા મળી હતી. 
ખાસ કરીને દાદરની શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ હતી અને મોટાભાગના લોકો માસ્ક વગર જ ખરીદી કરવા નીકળ્યા હતા. મુંબઈમાં દારૂની મોટાભાગની દુકાનોની બહાર લાંબી લાઈન જોવા મળી હતી. મુંબઈ પોલીસે શુક્રવારે લોકોને વીકેન્ડ કર્ફ્યુની યાદ પણ અપાવી હતી. 
પુણે, ઔરંગાબાદ અને નાગપુરમાં પણ વીકેન્ડ લોકડાઉનને લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer