મહારાષ્ટ્રને વસતી અને કોરોનાના ઉપદ્રવ પ્રમાણે રસીનો જથ્થો મળવો જોઈએ : રાજેશ ટોપે

મહારાષ્ટ્રને વસતી અને કોરોનાના ઉપદ્રવ પ્રમાણે રસીનો જથ્થો મળવો જોઈએ : રાજેશ ટોપે
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રસીની ફાળવણી વખતે રાજ્યની વસતી અને કોરોનાના કેસની સંખ્યા વગેરે પાસાની પણ ગણતરી કરવાની કેન્દ્ર સરકારને શનિવારે વિનંતી કરી હતી.  તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર કરતાં નાના રાજ્યો જ્યાં કોરોનાના કેસ ઓછા છે એમને મહારાષ્ટ્ર કરતાં વધુ ડોઝ મળ્યા છે.  કેન્દ્ર સરકારે તાજેતરમાં કુલ 3.5 કરોડ ડોઝની રાજ્યોને ફાળવણી કરી હતી. એમાંથી મહારાષ્ટ્રને પહેલા સાત લાખ ડોઝ અને પછી દસ લાખ ડોઝ મળ્યા હતા. મહારાષ્ટ્રની વસતી 12 કરોડની છે અને દેશના કુલ કોરોનાગ્રસ્તોમાંથી 60 ટકા દરદી મહારાષ્ટ્રમાં છે. 
આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે રસી આપવાની રોજની મહારાષ્ટ્રની ક્ષમતા છ લાખની છે. દર અઠવાડિયે અમે 40 લાખ લોકોને અને મહિને 1.60 કરોડ રસી આપી શકીએ છીએ. રાજ્યમાં રસીના બગાડનું પ્રમાણ માત્ર ત્રણ ટકા છે. કોરોનાનો સામનો કરવાનો એકમાત્ર ઉપાય લોકોમાં રસી મારફતે રોગપ્રતિકાર શક્તિ ઊભી કરવાનો છે. 
તેમણે કહ્યું હતું કે અમને આઠ લાખ ડોઝની ફાળવણી થઈ છે અને બીજા ચાર લાખ ડોઝ એકાદ દિવસમાં મળશે. જો રોજના ધોરણે રસીનો જથ્થો મળવાનો હોય તો એને રાજ્યના અન્ય ભાગમાં સમયસર ટ્રાન્સપોર્ટ કેમ કરવો એ પણ એક પ્રશ્ન છે. મુંબઈમા 70 રસી કેન્દ્રો બંધ કરાયા છે અને રાજ્યના અમુક ભાગમાં પણ રસીની ખેંચ છે. લોકોને પાછા વાળવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર રસીના ખેંચના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી નથી.
મહારાષ્ટ્ર પાસે 15.63 લાખ ડોઝ છે : પ્રકાશ જાવડેકર
પુણે, તા 10 : મહારાષ્ટ્રને મોકલાવેલા 1.10 કરોડ એન્ટી કોવિડ-19 વૅક્સીનમાંથી હાલ 15.63 કરોડ ડોઝ શલ્લિક હોવાનું કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે શનિવારે જણાવ્યું હતું. એ સાથે તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર રસીની ભારે અછત હોવાની સાથે કેન્દ્ર પર આક્ષેપ કરવાને બદલે રસીનું યોગ્ય રીતે વિતરણ કરવા પર ધ્યાન આપવું જોઇએ.
અગાઉ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રાજ્યમાં કોવિડ-19ની રસીના માત્ર 8 લાખ ડૉઝ શિલ્લક હોવાનું જણાવ્યું હતું. એ સાથે તેમણે ઉમેર્યું કે, અમને જણાવવામાં આવ્યું હતું કે એકાદ દિવસમાં રસીના બીજા ચાર લાખ ડૉ મળશે.
જાવડેકરે જણાવ્યું કે, આગામી ત્રણેક દિવસમાં મહારાષ્ટ્રના સૌથી વધુ અસર પામેલા વિસ્તાર માટે બીજા 1100 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવાશે.ઉપરાંત ઇન્ડસ્ટ્રયિલ પ્રોડક્શન યુનિટથી ઓક્સિજનનો પુરવઠો પણ પૂરો પડાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer