જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને કર્ફ્યુ લૉકડાઉનમાંથી બાકાત રાખવા ઠાકરે સરકારનો નિર્ણય

જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને કર્ફ્યુ લૉકડાઉનમાંથી બાકાત રાખવા ઠાકરે સરકારનો નિર્ણય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર સરકારે જેમ્સ-જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ને વર્તમાન કોવિડ નિયંત્રણો હેઠળ ઝવેરાતના ઉત્પાદન અને તેને સંલગ્ન ગતિવિધિઓને ચાલુ રાખવાની પરવાનગી આપી છે.
જીજેઈપીસી અને અન્ય વેપારી સંગઠનો સાથે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લીધેલી વર્ચ્યુઅલ મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જીજેઈપીસીએ આજે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.
આ વર્ચ્યુઅલ બેઠકમાં મુખ્ય પ્રધાન સાથે ચીફ સેક્રેટરી સીતારામ કુંટે, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે વેપારીઓ સંગઠનો વતી જીજેઈપીસીના ચૅરમૅન કોલિન શાહ, વાઈસ ચૅરમૅન વિપુલ શાહ, જ્વેલરી પાર્કના ચૅરમૅન કિરીટ ભણસાલી, જીજેઈપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે અને અન્ય અગ્રણી વેપારીઓએ આ વર્ચ્યુઅલ મિટિંગમાં ભાગ લીધો હતો.
રાજ્યના રાહત અને પુનર્વસન મંત્રાલયના પ્રધાન સચિવ અસીમ ગુપ્તાએ જણાવ્યું કે, વિવિધ શિફ્ટમાં કામ ચાલુ રહેશે ત્યાં સુધી જેમ્સ-જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને તેને સંલગ્ન કામકાજને નાઈટ કફર્યુ અને અન્ય નિયંત્રણોમાંથી બાકાત રાખવામાં આવશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના સંભવિત ત્રીજા અને ચોથા રાઉન્ડ સામે કયા ઉકેલ શક્ય છે તેની ચર્ચા કરી હતી. તેમણે ઉદ્યોગોને `નવી સામાન્ય પરિસ્થિતિ'ને અનુરૂપ થવાની વિનંતી કરી હતી અને `ધસારાના સમય'ની પસંદગીથી દૂર રહી, શિફ્ટમાં કામ કરવા અને જરૂરી સ્ટાફને જ કામના સ્થળે બોલાવી બાકીના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવાનું સૂચન કર્યું હતું.
બૅન્કોના સમૂહ પાસેથી લૉન લેતી વખતે ડબલ સ્ટેમ્પ ડયૂટી માફ કરવાની વિનંતી કોલિન શાહે મુખ્ય પ્રધાનને કરી હતી. આ સંદર્ભે 10-15 દિવસ બાદ પોતે અભ્યાસ કરી નિર્ણય લેશે એવી ખાતરી મુખ્ય પ્રધાને આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer