ઘાટકોપરમાં આજે ખૂલશે 100 બેડનું કોવિડ સેન્ટર

ઘાટકોપરમાં આજે ખૂલશે 100 બેડનું કોવિડ સેન્ટર
વાગડ વીસા ઓસવાલ સમાજનો સહયોગ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મેગા સિટીમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં વૃદ્ધો સાથે યુવાનો ઝડપાઈ રહ્યા છે. આવી કટોકટીના સમયમાં શ્રી ઘાટકોપર વાગડ વીસા ઓસવાળ સમાજે એકસો બેડનું કોવિડ-19 સેન્ટર ખોલ્યું છે જેનું ઉદ્ઘાટન આવતીકાલે રવિવારે થવાનું છે.
આ સેન્ટરના સ્વપ્નદ્રષ્ટા મુંબઈ ભાજપના સેક્રેટરી પ્રવીણભાઈ વેલજી છેડાએ જણાવ્યું હતું કે આ સેન્ટર અમારા વાગડ સમાજના સહયોગથી શરૂ થાય છે પણ સેન્ટરમાં નાતજાતના ભેદ વિના પ્રવેશ અપાશે. હાલના કાઉન્સિલર બિન્દુબેન ત્રિવેદીનો સહયોગ મળ્યો છે અને સેન્ટર પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટમાં શરૂ કરાયું છે.
આ સેન્ટરમાં પુરુષો અને મહિલા દરદીઓ માટે અલગ અલગ વૉર્ડ રખાયા છે. દરદીને બે ટંક ભોજન, બે ટંક ચા-કૉફી નાસ્તાની સગવડ મળશે. વિઝીટીંગ ડૉક્ટર, નર્સીસ, દવા, અૉક્સિજનની જરૂર પડશે તો તે પણ મળશે. 100 બેડની વ્યવસ્થા કરાઈ છે. જ્યાં 10 ડૉક્ટરો અને 20 નર્સ-વૉર્ડબૉય સેવા આપશે. તમામ સગવડ-સેવા મળીને પુરુષદીઠ નોન એસી વૉર્ડમાં દૈનિક ચાર્જ 3500 રૂા. અને મહિલા દરદી માટે એસી વૉર્ડમાં બેડદીઠ તમામ સગવડ-સેવાનો ચાર્જ રૂા. 4500 રાખવામાં આવ્યો છે.
આ સેન્ટર માટે શ્રી ગોહેલવાડ દશા શ્રીમાળી વણિક મંડળ (પરમ કેશવબાગ), શ્રીમતી મનુબેન વેલજી મેપશી છેડા (લાકડિયા) પરિવાર અને શ્રીમતી હિરબાઈ થાવર આશધાર ગડા (ભચાઉ) પરિવારનો સહયોગ સાંપડયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer