એપીએમસી બજારો ખુલ્લી રહેશે

એપીએમસી બજારો ખુલ્લી રહેશે
અનાજ-કઠોળની અછત નહીં સર્જાય
મણિલાલ ગાલા તરફથી
નવી મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ મહિનાના અંત સુધી મિનિ લૉકડાઉનની જાહેરાત કરી છે પરંતુ જીવનાવશ્યક ચીજોનો પુરવઠો જળવાઈ રહ્યો છે અને તેની કોઈ અછત થવાની શક્યતા નથી. આમ જનતાને ગભરાવાની જરૂર નથી. તેમને અનાજ, કઠોળ, કરિયાણા, શાકભાજી, ફળ, દૂધ વગેરેનો પુરવઠો રાબેતા મુજબનો મળતો રહેશે. અહીંની જથ્થાબંધ એપીએમસી બજારો ખૂલ્લી રહેશે અને રિટેલરોને માલનો પુરવઠો મળતો રહેશે.
ગ્રેન રાઇસ ઍન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ ઍસોસિયેશન `ગ્રોમા'ના મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે દાણાબંદરમાં અને રિટેલ દુકાનોમાં હાલ અનાજ-કરિયાણાની અછત સર્જાવાની શક્યતા નથી અને બજારમાં ભાવમાં પણ કોઈ મોટી વધઘટ નહોવાથી મોંઘવારી વધવાની પણ શક્યતા નથી.
એન્ટિજન ટેસ્ટ ફરજિયાત
દરમિયાન એપીએમસી બજારોમાં રોજ લગભગ 50,000થી વધુ લોકોની અવરજવર હોવાથી કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે અહીંની પાંચેય જથ્થાબંધ બજારોમાં આવતા તમામ લોકોનું એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાનો નવી મુંબઈ મહાપાલિકાએ નિર્ણય લીધો છે અને વેપારી, ગ્રાહક, ટ્રાન્સપોર્ટર, દલાલ, માથાડી કામદાર દરેકનું ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. હાલ દરેક બજારમાં એન્ટ્રી પોઇન્ટ પર એક એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. પણ ટૂંકમાં જ દરેક માર્કેટમાં ત્રણ ત્રણ ટેસ્ટ કેન્દ્ર ખોલવામાં આવશે, એવી માહિતી દાણાબંદરના ડિરેક્ટર નિલેશ વીરાએ આપી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જે `ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને વૅક્સિનનેશન'નો જે નિર્દેશ આપ્યો છે અને અનુસાર પગલાં લેવામાં આવી રહ્યા છે.
બજારોમાં વૅક્સિનેશનની માગણી
વીરાએ કહ્યું હતું કે 45થી વધુ વયના દરેકને કોરોના વિરોધી રસી માર્કેટોમાં જ અપાય એ માટે અમે મહાપાલિકા સમક્ષ માગણી કરી છે. જેથી જીવનાવશ્યક ચીજોનો પુરવઠો કરતા લોકોનો સમય ન વેડફાય.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer