આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર
કેકેઆરના સુકાની મૉર્ગન ઉપર રહેશે નજર : હૈદરાબાદની સાચી તાકાત વૉર્નર-બેરિસ્ટોની જોડી
નવી દિલ્હી, તા. 10 : પૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થનારા આઇપીએલ મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન કરીને અભિયાનની સફળતાથી શરૂઆત કરવાની કોશિશ કરશે. કેકેઆરની આગેવાની આ વખતે સીમિત ઓવરોમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક ઇયોન મોર્ગન કરી રહ્યો છે. ગયા સત્રમાં દિનેશ કાર્તિકે કેપ્ટનશિપ સંભાળી હતી. 
ગયા સત્રમાં કેકેઆર, સનરાઇઝર્સ અને આરસીબીના અંક સમાન હતા. કેકેઆર રન રેટમાં પાછળ રહીને સતત બીજી વખત પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી. મોર્ગન પહેલી વખત પૂર્ણકાલિન કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. તેવામાં તમામની નજર ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઉપર રહેશે. જે કેકેઆરને પ્રતિષ્ઠા પરત અપાવવા માટે પ્રતિબદ્ધ જોવા મળી રહ્યો છે. 
કેકેઆર પાસે શુભમન ગીલનાં રૂપમાં શિર્ષ સ્તરમાં શાનદાર બેટ્સમેન છે જ્યારે રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા અને અનુભવી કાર્તિક રૂપે સારા ભારતીય બેટ્સમેનો છે. આ ઉપરાંત મોર્ગન પણ કોઈપણ બોલરનો સામનો કરવા સક્ષમ છે. વધુમાં હરભજન સિંહ ઉપર પણ નજર રહેશે છે પોતાના સંભવત: અંતિમ આઇપીએલમાં સારામાં સારો પ્રભાવ છોડવા માગશે. 
આઇપીએલની જે ટીમોમાં નિરંતરતા રહી છે તેમાં હૈદરાબાદ પણ સામેલ છે. હૈદરાબાદ ગયા વર્ષે બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે હાર્યું હતું. તેવામાં ભુવનેશ્વર કુમારની વાપસીની હૈદરાબાદને મજબૂતી મળી છે. વધુમાં ટી નટરાજન પણ જવાબદારી સંભાળશે. સનરાઇઝર્સ પાસે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પણ છે જ્યારે હૈદરાબાદની સાચી તાકાત ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો છે. મધ્યક્રમમાં કેન વિલિયમસન અને મનીષ પાંડે છે જ્યારે  સાહા પણ પોતાને સાબિત કરવા પ્રયાસ કરશે. બન્ને ટીમો વચ્ચેના મુકાબલાની વાત કરવામાં આવે તો કેકેઆરએ અત્યારસુધી 12 અને સનરાઇઝર્સે 7 મેચ જીત્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer