બંગાળમાં ભાજપની જીતનો ઈશારો, મમતાના નીતિકારનો ઓડિયો લીક

આધી અધૂરી નહીં, આખી વાતચીત જાહેર કરો : પ્રશાંત કિશોર
કોલકત્તા, તા.10 : ચોથા તબક્કાના મતદાન દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની એક પછી એક 4 ઓડિયો ચેટ લીક થતાં બંગાળના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપે આ ઓડિયો રિલીઝ કરી દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસે હાર માની લીધી છે. જો કે ઓડિયો જાહેર કર્યા બાદ પ્રશાંત કિશોરે આધી અધૂરી વાતોને નકારી સવાલ કર્યો કે ભાજપ 100 બેઠકો પણ પાર નહીં કરે મેં કરેલી આ વાત ભાજપ કેમ જાહેર કરતું નથી ?
કલબ હાઉસ એપ પર ઓડિયો કોન્ફરન્સમાં પ્રશાંત કિશોરે કેટલાક પત્રકારો સાથે વાતચીત કરી હતી જેની ઓડિયો ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયે જાહેર કરી છે. જે અનુસાર તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ એન્ટી ઈનકંબન્સી, બંગાળમાં વડાપ્રધાન મોદીનો ક્રેઝ, દલિત મતોનો ભાજપ તરફી જુકાવ, લોકોમાં વડાપ્રધાન મોદીમાં ભગવાન દેખાવા જેવી વાત સામેલ છે. પત્રકારોએ પૂછેલા સવાલ અને પ્રશાંત કિશોરે આપેલા જવાબ આ લીક ઓડિયોમાં છે. બંગાળમાં શા માટે 50 ટકા હિન્દુ ભાજપને મત આપશે તે તથા મતુઆ સમાજ મોટા પાયે ભાજપની તરફેણમાં મત આપી રહયાનો ઉલ્લેખ છે.
ઓડિયો અનુસાર લોકોને એવુ લાગે છે કે 30-35 વર્ષથી જે નથી મળ્યુ તે ભાજપના આવવાથી મળી જશે. લાડૂની જેમ જ..મોદીની રેલીઓમાં ભીડ ઉમટી રહી છે. તેનું એક કારણ ધ્રુવીકરણ છે અને તેઓ લોકપ્રિય પણ છે તૃણમૂલ વિરૂદ્ધ ગુસ્સો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer