કોરોના : દેશમાં શનિવારે 1.45 લાખથી વધુ દર્દી ઉમેરાયા, 794નાં મોત

નવી દિલ્હી, તા. 10 : ભારતમાં ચીની વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો, ત્યારથી અત્યાર સુધીના વિક્રમ તોડી નાખતાં શનિવારે 1 લાખ, 45 હજારથી વધુ, એટલે કે, 1,45,384 નવા કેસ સામે આવ્યા હતા. વિક્રમસર્જક ઉછાળાથી ઉચાટ વચ્ચે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.32 કરોડને આંબી 1 કરોડ, 32 લાખ, 5,926 પર પહોંચી ગઈ છે.
હાથ ધોતા રહેવું, હસ્તધૂનનનાં સ્થાને નમસ્તે કરવું, માસ્ક સતત પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવાં સ્વયંશિસ્તો હવે નહીં પાળીએ તો દેશભરમાં ઘેરઘેર કોરોનાના ખાટલા હશે તેવી ભીતિ પમાડતાં શનિવારે સળંગ પાંચમા દિવસે એક  લાખથી વધુ નવા દર્દીના?ઉમેરાએ સરકારોની, સૌની ચિંતા વધારી છે.
ગત વર્ષની 18મી ઓક્ટોબર બાદ આજે વિક્રમી 794 સંક્રમિતોને કાળમુખો ભરખી જતાં કુલ 1,68,436 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
ભારતમાં આજે લગાતાર 31મા દિવસે વધારા સાથે સક્રિય કેસોની સંખ્યા સાડા છ મહિને વધુ એક વાર 10 લાખને પાર કરી ગઈ છે. આજે 67 હજારથી વધુ નવા સક્રિય કેસો ઉમેરાતાં આજની તારીખે 10,46,631 દર્દી સારવાર હેઠળ છે.
કુલ સંક્રમિતોની સંખ્યાની તુલનાએ સક્રિય કેસોનું પ્રમાણ એક માસ કરતાં વધુ સમયથી સતત વધતું રહીને આજે 7.93 ટકા થઈ ગયું છે.
બીજીતરફ, શનિવારે દેશના વિવિધ ભાગોમાં નોંધપાત્ર સંખ્યામાં 77,567 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ 1 કરોડ, 19 લાખ, 90,859 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
પોણા લાખથી વધુ દર્દી સાજા થવા છતાં તેની સામે લગભગ બે ગણા નવા દર્દીના ઉમેરાનાં પગલે રિકવરી રેટ અર્થાત્ સાજા થતાં દર્દીઓનો દર ઘટતો જઈને 90.80 ટકા થઈ ગયો છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 25 કરોડ, 52 લાખ, 14,803 ટેસ્ટ થઈ ચૂક્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer