કેન્દ્રએ રસીની નિકાસ કરતાં દેશમાં તંગી

સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 10 : દેશમાં વધતા કોરોના અને રસીની ખેંચ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે આરોપ લગાવ્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકારે કોરોના મહામારીમાં ગેરવહીવટ કર્યો અને રસીની નિકાસ કરીને દેશમાં તેની અછત થવા દીધી હતી. તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ સમીક્ષા બેઠકમાં એમ પણ કહ્યું હતું કે, કોરોનાના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે કડક કદમ ઉઠાવવાની સાથે જ કમજોર વર્ગની મદદ કરવાની જરૂરત છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોનિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને આ સ્થિતિમાં મુખ્ય વિપક્ષ હોવાના નાતે અમારી એ જવાબદારી છે કે અમે મુદ્દાઓને ઉઠાવીએ અને સરકાર પર દબાણ બનાવીએ કે તે જનહિતમાં કામ કરે. તેમણે કહ્યું કે, પારદર્શિતા જરૂરી છે. સરકારે કોંગ્રેસ સહિત તમામ રાજ્યમાં સંક્રમણ અને મૃત્યુના વાસ્તવિક આંકડા રજૂ કરવા જોઈએ.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, આપણે સૌ પહેલાં રસીકરણ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે પછી જ રસીની નિકાસ અને બીજા દેશોમાં તે ભેટ આપવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, દેશમાં તમામ ચૂંટણીરેલીઓ સહિત જનસભાઓ રદ થવી જોઈએ. આ માટે આપણે બધા અમુક હદ સુધી જવાબદાર છીએ. આપણે આ જવાબદારીનો સ્વીકાર કરીને રાષ્ટ્રના હિતને પોતાનાથી ઉપર રાખવાની જરૂર છે.
કૉંગ્રેસના આગેવાન અને મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે આ બેઠકમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને 1200 જેટલા વૅન્ટિલેટર અને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે. ઉપરાંત કોરોનાની રસીનો પુરવઠો પણ અપૂરતો છે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર તેની પૂરી તાકાતથી કોવિડ-19ની પરિસ્થિતિ વિરુદ્ધ લડત ચલાવી રહી છે. તેથી કેન્દ્ર સરકારે તેને પૂરતા પ્રમાણમાં રસીના ડૉઝ આપવા જોઈએ, એમ થોરાતે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer