કૉંગ્રેસના નેતાઓ મળ્યા મુખ્ય પ્રધાનને
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં નવેમ્બર, 2019માં જેના આધારે મહાવિકાસ આઘાડીની સરકાર સત્તા ઉપર આવી હતી તે કૉમન મિનિમમ પ્રોગ્રામની સમીક્ષા કરવાની વિનંતી કૉંગ્રેસના નેતાઓના પ્રતિનિધિ મંડળે આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ કરી છે.
અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મંત્રી એચ. કે. પાટીલની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે આજે મુખ્ય પ્રધાન સાથે રાજ્યની રાજકીય સ્થિતિ અને કોરોના વિશેના વ્યવસ્થાપન સંબંધે ચર્ચા કરી હતી. આ પ્રતિનિધિ મંડળે મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે બધા નિર્ણયો મહાવિકાસ આઘાડીના બધા ઘટક પક્ષોએ સાથે મળીને લેવા જોઈએ.
મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે અમારા પ્રતિનિધિ મંડળની ઉદ્ધવ ઠાકરે સાથેની ચર્ચા એક કલાક સુધી ચાલી હતી. એચ. કે. પાટીલ પ્રથમવાર ઠાકરેને મળ્યા હતા. અમારી ચર્ચા ખૂબ જ મિત્રતાભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. અમે મુખ્ય પ્રધાનને સૂચવ્યું હતું કે સરકારની રચનાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાથી કૉમન મિનિમમ પ્રોગ્રામની સમીક્ષા થવી જોઈએ. કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આદિવાસીઓ અને ગરીબો માટેની કલ્યાણકારી યોજનાઓ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈઓના નાણાં અવિરતપણે ફાળવવામાં આવવા જોઈએ એવા પત્રનું પણ અમે મુખ્ય પ્રધાનને સ્મરણ કરાવ્યું હતું. નાણાંની ફાળવણી થતી નહીં હોવાને કારણે કૉંગ્રેસના પ્રધાનો અને વિધાનસભ્યોને પોતાની સાથે અન્યાય થતો હોવાની ભાવના અનુભવાઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના પ્રધાનોના સશક્તીકરણ કરવા વિશે પણ ચર્ચા થઈ હતી.
કૉંગ્રેસના નેતાઓએ મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે વિવાદને કારણે મહાવિકાસ આઘાડીની અને તેમાંય ખાસ કરીને કૉંગ્રેસની િબન આવશ્યક રીતે બદનામી થઈ રહી છે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલે અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન અશોક ચવ્હાણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે યુપીએના અધ્યક્ષપદે સોનિયા ગાંધીને સ્થાને રાષ્ટ્રવાદીના વડા શરદ પવારને નીમવાની હિમાયત કરી તેના કારણે કૉંગ્રેસના નેતાઓ નારાજ છે.
કૉમન મિનિમમ પ્રોગ્રામની સમીક્ષાની માગણી
