વાઝેને સાતમી એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડી

વાઝેને સાતમી એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડી
એન્ટિલિયા કેસ
ધરપકડ બાદ ખાતામાંથી રૂા. 26 લાખ ગાયબ
મુંબઈ, તા. 3 : એન્ટિલિયા અને મનસુખ હિરેન મૃત્યુ કેસ મામલે ધરપકડ કરાયેલા સચીન વાઝેને આજે અદાલતમાં હાજર કરાયો હતો. વાઝેએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે કોઈ ગુનાની કબૂલાત કરી નથી અને તેની સામેના તમામ આરોપો ખોટા છે. વાઝેને કોર્ટે સાતમી એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડી ફટકારી હતી. એનઆઈએએ કોર્ટમાં જણાવ્યું હતું કે સચીન વાઝેનું એક મેઈન એકાઉન્ટ ડીસીબી બૅન્કમાં છે. આઠમી માર્ચ સુધી વાઝેના આ ખાતામાંના લોકરમાં 26 લાખ 50 હજાર રૂપિયા અને મહત્ત્વના દસ્તાવેજો હતા, પરંતુ અત્યારે બધું ગાયબ છે.
વાઝેની ધરપકડ તેરમી માર્ચે કરાઈ હતી. 30 માર્ચે એનઆઈએએ બૅન્કમાં તપાસ કરી ત્યારે આ ખાતામાંથી તમામ વસ્તુ ગુમ હતી.
છ દિવસની રિમાંડ માગી
એનઆઈએએ અદાલતમાં વાઝેની છ દિવસોની રિમાંડ માગી હતી. વાઝેએ સીઆરપીસી 27 હેઠળ જે નિવેદન આપ્યું છે તેના આધારે મીઠી નદીમાંથી લેપટોપ, સીપીયુ સહિત અન્ય સામાન મળ્યો હતો. એનઆઈએએ કહ્યું હતું કે જે સીસીટીવીનો 120 ટીબી ડેટા મળ્યો છે. તે મામલે વાઝેની પૂછપરછ બાકી છે. આ ઉપરાંત જે રોકડ મળી છે તેનો સોર્સ પણ જાણવો છે. આઈપીડીઆર ડેટાથી લાગી રહ્યું છે કે પચીસ ફેબ્રુઆરીએ જે શખસ જોવા મળ્યો હતો તે વાઝે હોય શકે, તેથી તેને ઘટનાસ્થળે ચાલવા જણાવાયું હતું.
કેમ જોઈએ છે કસ્ટડી?
એનઆઈએના મતે સચીન વાઝેના હજી કેટલાં બૅન્ક એકાઉન્ટ અને લોકર છે તેની જાણકારી મેળવવાની બાકી છે. તેણે જે રૂપિયા કાઢયા છે તેની તપાસ ચાલી રહી છે. જે આઠ વાહનો જપ્ત કરાયા છે એ વાઝે પાસે કેવી રીતે આવ્યા તેની તપાસ ચાલી રહી છે. વાઝેના ઘરેથી પાસપોર્ટ મળ્યો પણ તે તેનો નથી. તો આ પાસપોર્ટ કોનો છે તેની તપાસ બાકી છે. આ મામલે હજી સુધી 50 સાક્ષીઓના નિવેદન નોંધાયા છે. 30 જગ્યાએ પંચનામાં થયાં છે.
એન્જિયોગ્રાફી કરાવવા માગે છે વાઝે
વાઝેના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે વાઝેના દિલમાં 90 ટકા બ્લોકેજ છે, તેથી તેઓ એન્જિયોગ્રાફી કરાવવા માગે છે. એનઆઈએના વકીલે જણાવ્યું હતું કે વાઝેને વર્ષ 2019થી બ્લોકેજ છે ત્યારે તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ અપાઈ હતી, જે તેમણે કરાવી નથી. હવે ધરપકડ બાદ તેમને એન્જિયોગ્રાફી કરાવવી છે. આટલા દિવસો સુધી સારવાર કેમ ન કરાવી? અમે કસ્ટડીમાં તેમને બેસ્ટ તબીબી સેવા આપી રહ્યા છીએ. એનઆઈએના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે રવિવારે વાઝેને સ્ટ્રોક આવ્યો હતો ત્યારે તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ઈસીજી, ટુડી, ઈકો અને બ્લડ ટૅસ્ટ કરાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer