ફોનમાં વાત કરતાં નર્સે ભૂલથી બે વખત આપી દીધી રસી ?

નવી દિલ્હી, તા. 3 : ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આ વાયરસની ગંભીરતા વચ્ચે પણ મોટી બેદરકારી સામે આવી છે અને તે પણ સ્વાસ્થ્ય વિભાગ તરફથી. કાનપુર ગ્રામીણ વિસ્તારમાં એક એએનએમ નર્સે મહિલાને બે વખત વેક્સિન આપી દીધી હતી.  
ઉત્તર પ્રદેશનાં કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે વેક્સિન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેક્સિન આપી દેવાઈ હતી. કામના સમયે ફોનમાં વ્યસ્ત એએનએમ નર્સે મહિલાને એક જ જગ્યાએ બે વખત વેક્સિન આપી દીધી હતી. બાદમાં મહિલા તેને વઢી એટલે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, મહિલાના પરિવારજનોને આની જાણ થતાં જ તેમણે હંગામો મચાવી દીધો હતો.  
કમલેશ દેવીના કહેવા પ્રમાણે એએનએમ ફોનમાં વાત કરવામાં ખૂબ જ મશગૂલ હતી. વેક્સિન બાદ તેઓ ત્યાં બેસી રહ્યા હતા અને તેણે તેમને જવા પણ નહોતુ કહ્યું. બાદમાં વાત કરતાં કરતાં તે એક વખત વેક્સિન અપાઈ ચૂકી છે તે ભૂલી ગઈ અને બીજી વખત પણ વેક્સિન આપી દીધી હતી. 
કમલેશ દેવીના કહેવા પ્રમાણે તેઓ સ્વસ્થ છે પરંતુ તેમને વેક્સિન લીધી તે જગ્યાએ સોજો આવી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer