બ્રિટનની મેડિકલ એજન્સીનું નિવેદન: જો કે રસી અને લોહીની ગાંઠ વચ્ચે સંબંધ હોવાનું પુરવાર નથી થયું
લંડન, તા. 3 : ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોનાવાયરસ રસીથી દુનિયાને જેટલી પણ આશા હતી, યુરોપિયન દેશોમાં તેને લીધા બાદ અમુક લોકોમાં દેખાયેલી અસરે ચિંતા પણ એટલી જ વધારી દીધી છે. બ્રિટનના મેડિકલ રેગ્યુલેટરે આજે જણાવ્યું હતું કે રસી લીધા બાદ જે 30 લોકોમાં લોહીના ગઠ્ઠા (બ્લડ ક્લોટ) જોવામાં આવ્યા હતા તેમાંથી 7નાં મોત થઈ ગયાં હતાં. અનેક દેશમાં રસીને હાલમાં રોકી દેવામાં આવી છે. જોકે હજુ સુધી રસીથી લોહીના ગઠ્ઠાનો સીધો સંબંધ જોવા મળ્યો નથી.
બ્રિટનના મેડિસિન એન્ડ હેલ્થકેયર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 24 માર્ચ સુધી સામે આવેલા 30 મામલામાંથી 7નાં મોત થયાં છે. યુકે રેગ્યુલેટરીએ જણાવ્યું હતું કે લોહીના ગઠ્ઠા જામવાના આ 30 મામલા દેશમાં 1.81 કરોડ રસીના ડોઝ અપાઈ ગયા બાદ સામે આવ્યા હતા. વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન ડેટાના આધારે કોરોના રસીના ફાયદા કોઈ પણ જોખમથી વધુ જોવા મળ્યા છે. કંપનીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેની રસીથી લોહીના ગઠ્ઠા બાજવાનો ખતરો વધતો નથી.
બીજીતરફ ફાઈઝર-બાયોએનટેકની રસીને લઈને આવા કોઈ અહેવાલ સામે આવ્યા નથી. બ્રિટનમાં 3.1 કરોડ રસીનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. લોકો પાસે કંપની પસંદ કરવાનો અધિકાર નથી. આ પહેલાં યુરોપિયન મેડિસિન્સ એજન્સી (એમઈએ)એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ)ની સાથે રસીને સુરક્ષિત ગણાવી હતી.