કપોળ બૅન્કને ખરીદવામાં કૉસ્મોસ બૅન્કે રસ દર્શાવ્યો

ડિપૉઝિટર્સના હિતમાં હોય તે નિર્ણય લેવાશે : ચૅરમૅન કીર્તિભાઇ શાહ સુરક્ષા યોજના સફળ નીવડી : વાઇસ ચૅરમૅન અવિનાશ પારેખ
શિરીષ મહેતા તરફથી 
મુંબઈ, તા. 3 : કપોળ બૅન્કને ખરીદવા માટે 115 વર્ષ જૂની કો-ઓપરેટીવ ક્ષેત્રની અગ્રણી કૉસ્મોસ બૅન્કની ઓફરનો સંચાલકો ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ ઉપરાંત, કપોળ બૅન્કને બે એનબીએફસીની પણ ઓફર હોવાનું સૂત્રોએ કહ્યું હતું. 
કૉસ્મોસ બૅન્ક ખરીદવામાં રસ વ્યક્ત કરતા ત્રણ પ્રસ્તાવ મળ્યાનું સમર્થન કરતા બૅન્કના અધ્યક્ષ કીર્તિભાઇ શાહે આ સંવાદદાતાને જણાવ્યું કે, આ ત્રણે ઓફર કરનારા ગંભીર જણાય છે, પણ કૉસ્મોસ બૅન્કનો પ્રસ્તાવ વધુ આકર્ષક છે. 
સહકારી ક્ષેત્રમાં સારસ્વત બૅન્ક પછી બીજા ક્રમે આવતી કૉસ્મોસ બૅન્ક પણ કપોળ બૅન્કની જેમ મલ્ટિ સ્ટેટ અર્બન કો-ઓપોરેટિવ શિડ્યુલ્ડ બૅન્ક છે. તેની મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક રાજ્ય સહિત સાત રાજ્યમાં 140 શાખાઓ છે. 2019ના માર્ચના અંતે તેની રૂા. 15,305 કરોડની ડિપોઝિટ અને રૂા. 11,599 કરોડના ધિરાણ હતા. એ વર્ષે તેણે રૂા. 75.54 કરોડનો નફો કર્યો હતો, જે આગલા વર્ષે રૂા. 6.69 કરોડનો હતો. 
કૉસ્મોસ બૅન્કના પ્રસ્તાવ બાબત બૅન્કનું ડિરેક્ટર બોર્ડ અંતિમ નિર્ણય લે તે પહેલા તેમણે યોગ્ય પ્રસ્તાવના લેખાંજોખાં ( ડ્યુ ડિલિજન્સ) કર્યા બાદ બૅન્કના શૅરહોલ્ડર્સ અને 80,000 જેટલા ડિપૉઝિટર્સ, જેમાંના મોટા ભાગના શેરહોલ્ડર્સ પણ છે તેમની તથા રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મંજૂરી લેવાની રહેશે. ત્યાર બાદ આ પ્રસ્તાવ સંભવિત ખરીદનારને મોકલવામાં આવશે. 
અધ્યક્ષે સંભવિત એનબીએફસી વિષે વધુ વિગતો આપવાનું 
ટાળ્યું, પણ બૅન્કના ચૅરમૅન કીર્તિભાઇ શાહે કહ્યું કે, જે કોઈ નિર્ણય લેવામાં આવે તે બૅન્કના ડિપૉઝિટર્સ અને શૅરહૉલ્ડર્સના હિતમાં હશે. બૅન્કના ડિરેક્ટર બોર્ડના પ્રયાસો ડિપૉઝિટર્સને તેમના નાણાં પૂરેપૂરા મળી જાય તે દિશાના છે. કૉસ્મોસ બૅન્ક અથવા જે કોઈ પણ ખરીદદાર સાથે આ બાબત આગળ વધવામાં આવશે ત્યારે ડિરેક્ટરોની આ પ્રયાસોને પ્રાથમિકતા હશે. 
કપોળ બૅન્કને 2014ના જૂન મહિનામાં રિઝર્વ બૅન્કના વહીવટ હેઠળ મૂકવામાં આવી હતી. તેના પાંચ વર્ષ બાદ આરબીઆઇએ બૅન્કના નવા ચૂંટાયેલા ડિરેક્ટર બોર્ડને વહીવટ સોંપ્યો હતો. નવા ડિરેક્ટર બોર્ડે જૂના લેણાં (એનપીએ)ની કડક વસૂલીની સાથે ડિપૉઝિટર્સ માટે સુરક્ષા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ રૂપિયા એક કરોડ અને તેથી વધુની ડિપૉઝિટ હોય તેમની પચાસ ટકા રકમને બૅન્કની મૂડીમાં ફેરવવાની દરખાસ્ત હતી. 
અવિનાશભાઈએ જણાવ્યું કે, સુરક્ષા યોજના સફળ નીવડી હતી. તેને શરૂ કર્યાના એક મહિનામાં રૂા. 180 કરોડની ડિપૉઝિટ ધરાવનારાઓની મંજૂરી મળી હતી, પણ આ પ્રસ્તાવ બાબત આગળ વધી શકાયું નહોતું. દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ અને બીજી બાજુ, સરકારે ડિપૉઝિટની વીમા કવચની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખની કરી તેથી આ પ્રસ્તાવ બાબત આગળ વધવાનું મુશ્કેલ બન્યું, તેમ તેમણે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer