આરબીઆઈની ધિરાણ નીતિ અને કંપનીઓનાં પરિણામો શૅરબજારની દિશા નક્કી કરશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : નાણાકીય વર્ષ 2021નો અંત સકારાત્મક રહ્યો. ગત સપ્તાહમાં પણ શૅરબજારોમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી હતી. આ વર્ષે બજારમાં પ્રચંડ આશાવાદ છે. રોકાણકારો નિફ્ટીની માર્ચ 2020માં 7511ની નીચલી સપાટીથી એક વર્ષની અંદર 15,431ની ઉપલી ઐતિહાસિક ટોચના સાક્ષી બન્યા. વૈશ્વિક ધોરણે મધ્યસ્થ બૅન્કોએ ધિરાણ દરોમાં ઘટાડો કર્યો પરંતુ તેની સામે સરકારોએ કરોડો ડૉલરનો મૂડીખર્ચ કરતાં નીચલા સ્તરે માગ વધી હતી અને તેની અસરથી અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે પીએલઆઈ ઈન્સેન્ટિવ જાહેર કર્યાં એ પણ નોંધપાત્ર છે. મે 2020થી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) દ્વારા નાણા પ્રવાહ અવિરત આવતાં ભારતની વૃદ્ધિને ટેકો મળ્યો છે. 
આ વર્ષે આપણને અનેક બાબતો શીખવા મળી તેમાં એક હતી `પ્રાઈસ એ કિંગ' છે અને શૅરબજાર આ સૂત્રની આસપાસ ફરે છે. માર્ચ 2020માં રોકાણકારોને થયું કે તેઓ મંદીમાં છે ત્યારે સૂચકાંકો નીચલી સપાટીથી નવી ટોચને સ્પર્શયા. તેથી નવા નાણાકીય વર્ષમાં ખૂબ જ સાવચેતીપૂર્વક વલણ અપનાવવું પડશે કારણ કે નવા વર્ષમાં ઘટાડો નકારી શકાય નહીં. ભારતમાં કોવિડનો બીજો વેવ આવ્યા હોવાનું કહેવાથી શક્યતા છે કે રિટર્ન ધાર્યા સમય કરતાં મોડું મળે. તેમ જ જો અમેરિકામાં નાણા પ્રવાહ અટકે અને ફુગાવાની ચિંતાએ વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તો નાણાં ભારતની બદલે અમેરિકા તરફ વળી જશે. કોવિડ-19ના રિકવરીના તબક્કામાં અમેરિકા-ચીન વચ્ચે ભૂરાજકીય ચિંતા ઉભી ન થાય તે પણ જોવાનું રહેશે. જોકે આ બધા વચ્ચે રોકાણકારોએ નાણાકીય વર્ષ 2022માં રોકાણ તોફાની વધઘટના માહોલ વચ્ચે જાળવી રાખવું. 
અમેરિકન ડૉલર અને રૂપિયો ગત સપ્તાહમાં મજબૂત રહ્યા હતા, ડૉલરને 72.27ના સ્તરે સપોર્ટ મળ્યો હતો. ગત સપ્તાહમાં ડૉલર એક વર્ષની ટોચને સ્પર્શયો હતો કારણ કે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે અને વૅક્સિનેશનની પ્રક્રિયા પણ ઝડપી બની છે. બોન્ડ યીલ્ડમાં વધારો થવાના આશાવાદને લીધે પણ યુએસડી/આઈએનઆરમાં મજબૂતાઈ આવી હતી. 
નિફ્ટી 50 આ સપ્તાહે વધારા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલ દૃષ્ટિએ જોતાં બજારમાં નક્કર દિશાનો અભાવ છે. નિફ્ટીનો ચેનલ સપોર્ટ હજી મંગળવારની ટ્રેડિંગ રેન્જમાં છે અને કેન્ડ ચાર્ટ ગયા સપ્તાહની રેન્જમાં છે. બજારમાં વોલેટિલિટી છે. ટ્રેડર્સને આંશિક તેજીનો આઉટલુક રાખવાની સલાહ છે. ટૂંકા ગાળામાં નિફ્ટીને 14,260ના સ્તરે અને 14,880ના સ્તરે પ્રતિકારનો સામનો કરવો પડશે.
આગામી સપ્તાહમાં રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની એમપીસીની મીટિંગ ઉપર રહેશે. અપેક્ષા છે કે આરબીઆઈ કોવિડ-19ના સેકન્ડ વેવને ધ્યાનમાં રાખીને વ્યાજદર યથાવત્ રાખશે. એકંદર અર્થતંત્ર ઉપર રિઝર્વ બૅન્કના ગર્વનરની પ્રતિક્રિયા અને કંપનીઓનાં ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થશે તેના આધારે શૅરબજારને દિશા મળશે. રોકાણકારોને સલાહ છે કે શૅરબજારમાં આવતું વર્ષ તોફાની વધઘટનું રહેશે તે જોતાં પાંચથી સાત વર્ષ માટે લાંબાગાળાના રોકાણ માટે પ્લાનિંગ કરવું જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer