પેટ્રોલ-ડીઝલના ભાવ સીતારામનને દઝાડે છે

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઈંધણના ભાવ સંબંધે ચર્ચા થશે ?
નવી દિલ્હી, તા. 20 : દેશમાં સતત વધી રહેલા ઈંધણના ભાવ સંબંધે આજે પહેલીવાર આપેલાં નિવેદનમાં કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, પેટ્રોલિયમનના ભાવ સરકારી અંકુશમાંથી મુક્ત હોવાથી હું ભાવ ઘટાડાની ખાતરી ન આપી શકું. જોકે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ચર્ચા કરીને જનતાને રાહત આપી શકાય છે. સીતારામનના આવા નિવેદન બાદ પ્રશ્ન એ છે કે ખરેખર કેન્દ્ર આ મામલે કરશે?
રોજેરોજ નવી ઉંચાઈએ પહોંચી રહેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવોથી આમજનતાનું જીવવું દોહ્યલું બની ગયું છે અને વિપક્ષે ચોતરફથી સરકાર ઉપર ઈંધણનાં ભાવ મુદ્દે ઘેરાબંધી કરવાં માંડી છે ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને હવે આ મુદ્દે મૌન તોડયું છે. તેમણે કહ્યં હતું કે, આ ગંભીર મુદ્દે તેઓ ધર્મસંકટમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગ્રાહકોને યોગ્ય દરે ઈંધણ પૂરું પાડવા માટે પરસ્પર ચર્ચા કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, આ એક એવો મુદ્દો છે જેમાં ભાવમાં ઘટાડા સિવાયનો કોઈપણ જવાબ જનતાને સંતુષ્ઠ કરી શકશે નહીં. એટલે વાસ્તવિકતા સામે લાવવા માટે હું જે કંઈપણ કહીશ તેનાથી લોકોને એવું જ લાગશે કે હું જવાબ આપવાથી બચી રહું છું. માટે જ આને હું ગંભીર ગણાવું છું. સરકારનું પેટ્રોલનાં ભાવ ઉપર કોઈ નિયંત્રણ નથી. ઓઈલ કંપનીઓ ક્રૂડતેલની આયાત કરે છે અને રિફાઈન કરીને વેંચે છે. જેથી આ મોટું ધર્મસંકટ છે.' તેમણે આગળ કહ્યું હતું કે, આ જટિલ મામલો ઉકેલવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચર્ચા વિચારણા કરવી જોઈએ. ઓઈલ ઉત્પાદક દેશો ઈંધણનું ઉત્પાદન હજી પણ ઘટાડે તેવી સંભાવના છે અને જો એવું થાય તો આપણે ત્યાં ભાવ ઉપર દબાણ ઓર વધી શકે છે. ઓઈલ કંપનીઓ ઈંધણનાં ભાવ નિર્ધારિત કરવાં માટે સ્વતંત્ર હોવાથી કેન્દ્ર સરકાર વતી હું એક પ્રધાન તરીકે એવી ખાતરી ન આપી શકું કે અમે ભાવ નીચા લાવી આપશું. કેન્દ્રની જેમ જ રાજ્યોને પણ નાણાની જરૂર રહે છે અને આ પેચીદાં સવાલમાં તેની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની રહે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer