આત્મનિર્ભર ભારતમાં ખાનગી ક્ષેત્રને પણ પૂરતી તક

નીતિ આયોગની પરિષદને સંબોધતાં વડા પ્રધાને કૃષિ સુધારા પર ભાર મૂકયો
'આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી તા. 20 : આત્મનિર્ભર ભારત માટે ખાનગી ક્ષેત્રનો સાથ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગના એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધતા આહવાન આપ્યુ હતુ. જૂના થઈ ચૂકેલા કાયદાઓને રદ કરવા અને કારોબાર માટે વ્યવસ્થા વધુ સુગમ બનાવવાની જરૂરીયાત પર ભાર મૂકતા શનિવારે કહયુ કે મજબૂત આર્થિક વૃદ્ધિ મેળવવા કેન્દ્ર અને રાજયોએ એક થઈ કામ કરવું પડશે.'
નીતિ આયોગની છઠ્ઠી સંચાલન પરિષદને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહયુ કે ખાનગી ક્ષેત્રને પણ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનમાં ભાગ લેવાની પુરી તક મળવી જોઈએ. આત્મનિર્ભર ભારતથી દેશ ઉપરાંત દુનિયાની જરૂરીયાતો પુર્ણ થશે. કોરોના કાળમાં કેન્દ્ર અને રાજયોએ સાથે મળી સફળ કામગીરી કરી જેથી દુનિયામાં ભારતની એક સારી છાપ ઉભી થઈ છે.
આર્થિક પ્રગતિ માટે સરકારે ખાનગી ક્ષેત્રનું સમ્માન કરવું પડશે અને તેને યોગ્ય પ્રતિનિધિત્વ પણ આપવું પડશે. આ વખતે બજેટનું જે પ્રકારે સ્વાગત થયું છે તે એ બાબતનો સંકેત છે કે દેશ ઝડપથી વિકાસની રાહ પર આગળ વધવા ઈચ્છે છે. મૂડ ઓફ ધ નેશન શું છે ? તે જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારની પહેલથી દરેકને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની પુરતી તક મળશે.
વધુમાં તેમણે કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં કહયુ કે તેલિબિયા જેવા પાકનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકવો જોઈએ. જેથી ખાદ્ય તેલની આયાત પરની નિર્ભરતા ઓછી થાય. ખેડૂતેને દોરી સંચારથી જ તે હાંસલ કરી શકાશે. કૃષિ ક્ષેત્રમાં નાણા અને ટેકનોલોજી પુરી પાડવા સુધારા જરૂરી છે. ખાદ્ય ચીજોની આયાત પર ખર્ચ થતાં નાણાં ખેડૂતોના ખાતામાં તો જઈ જ શકે છે. વડાપ્રધાને લોકો પર નિયમ-કાયદાના પાલનનો બોજ ઘટાડવાની આવશ્યકતા વ્યક્ત કરતાં રાજયોને સમિતિઓ બનાવી એવા નિયમ, કાયદા દૂર કરવા કહયું જેની વર્તમાન સમયમાં કોઈ વ્યવહારૂતા રહી નથી.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer