અમારા પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે નીતિ આયોગની બેઠકને સંબોધતા કહ્યું હતું કે કલ કરે સો આજ કર, આજ કરે સો અભી એવી રાજ્ય સરકારની ભૂમિકા રહી છે અને કોરોના કાળમાં પણ રાજ્ય સરકારે વિકાસને અટકાવ્યો નથી. રાજ્યના માથે કોરોનાનું જે સંકટ આવ્યું છે એ માત કરતા કરતા અમે વિકાસનો માર્ગ પણ કંડારી રહ્યા છીએ.'
નીતિ આયોગની આ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને દિલ્હીમા મળી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોનાની લડાઈ હજી પુરી થઈ નથી. આપણે પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મળી રહ્યા છીએ.'
તેમણે કહ્યું હતું કે અમે આપદાને તકમાં પરિવર્તીત કરી રહ્યાં છીએ. ગયું આખું વર્ષ અમે ઈન્ટરનેટ સેવા પર ભાર મુક્યો હતો અને બધા ગામોમાં ઈન્ટરનેટ પહોંચે એ અમારુ લક્ષ્ય હતું. આમારા પ્રયત્ન છતાં દુર્ગમ ભાગોમાં આવેલા 2500 જેટલા ગામડાઓમાં અમે ઈન્ટનેટ પહોંચાડી શક્યા નથી. કેન્દ્ર સરકારે આમાં રાજ્યને મદદ કરવી જોઈએ.'
ઠાકરેએ કહ્યું હતું કે મૂડી રોકાણની બાબતમાં કેન્દ્ર સરકારે અમુક ધોરણો નિશ્ચિત કરવા જોઈએ. કેટલી મૂડી આવે છે માત્ર એના પર ભાર મુકવાને બદલે કેટલો રોજગાર નિર્માણ થશે એના પર પણ ભાર મુકવાની જરૂર છે. જય જવાન, જય કિસાન પછી હવે આપણે જય કામગાર બોલવાની જરૂર છે.' ઉદ્ધવ ઠાકરેએ ક્લાઈમેટ ચેન્જની કૃષિ ક્ષેત્ર પર પડેલી વિપરીત અસરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કેન્દ્ર સરકારને કેન્દ્રની પાક વીમા યોજનાનાં સુધારો કરવાની પણ અપીલ કરી હતી.
જય જવાન, જય કિસાન સાથે હવે જય કામગારના નારાની જરૂર : ઉદ્ધવ
