અૉસ્ટ્રેલિયન અૉપન ફાઈનલ : જોકોવિચની નજર 18મા ગ્રાન્ડસ્લેમ ઉપર

મેદવેદેવ પહેલો ખિતાબ જીતવા કરશે પ્રયાસ
નવી દિલ્હી, તા. 20 : દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઈનલમાં ઉતરશે ત્યાં તેની નજર મેલબર્ન પાર્કમાં નવમા અને કેરિયરના 18મા ગ્રાન્ડ સ્લેમ ઉપર રહેશે. જ્યારે તેનો પ્રતિદ્વંદ્વી દાનિલ મેદવેદેવ પહેલો ખિતાબ જીતવાની કોશિશમાં છે. જોકોવિચથી વધારે ગ્રાન્ડસ્લેમ પુરુષ ટેનિસમાં રોઝર ફેડરર અને રાફેલ નાડાલે જીત્યા છે. જેના નામે 20 ખિતાબ છે. મેદવેદેવ અમેરિકી ઓપનના ફાઈનલમાં હારી ગયો હતો અને આ વખતે પહેલા ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતવામાં કોઈ કસર બાકી રાખવા માગતો નથી. મેદવેદેવના કહેવા પ્રમાણે જોકોવિચને હરાવવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. કદાચ પાંચ કલાક પણ રમવું પડશે અને એક ચૂક ભારે પડી શકે છે. જો કે ફાઈનલ રમવો અને તે પણ જોકોવિચ જેવા ખેલાડી સામે તે મોટી પ્રેરણા છે. જોકોવિચ મે મહિનામાં 34 વર્ષનો થયો છે અને તે 15 વર્ષથી પોતાનો દબદબો કાયમ કરનારા ફેડરર અને નાડાલની સાથેનો ખેલાડી છે. જ્યારે 25 વર્ષનો મેદવેદેવ ટેનિસની આગામી પેઢીનો પ્રતિનિધિ છે. ફેડરર, નાડાલ અને જોકોવિચે મળીને છેલ્લા 15માથી 14 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer