ફાઇનલમાં અમેરિકાની બ્રેડી પર આસાન જીત
મેલબોર્ન, તા. 20 : જાપાનની નાઓમી ઓસાકાએ આજે અહીં ફાઈનલ જંગમાં જેનિફર બ્રેડીને 6-4,6-3થી પરાસ્ત કરીને ઓસ્ટ્રેલિયન ઓપન પર કબ્જો કર્યો હતો. આ ઓસાકાનો ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ ખિતાબી જીત સાથે ઓસાકા વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બ્રેડી સામે ફાઈનલમાં જીત તેનો સળંગ 21મો વિજય છે. સેરેના વિલિયમ્સ જેવી દિગ્ગજ ખેલાડીને હરાવીને ફાઈનલમાં પ્રવેશનારી ઓસાકા ફેવરિટ તરીકે ઉતરી હતી અને એ મુજબનો જ દેખાવ કર્યો હતો. તે અગાઉ 2019માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂકી છે. અમેરિકાની 22મી ક્રમાંકિત બ્રેડી ઓસાકા સામે જોરદાર ટક્કર આપી શકી નહોતી. એક કલાક અને 17 મિનિટની મેચમાં ઓસાકાએ વિજય હાંસિલ કર્યો હતો. બ્રેડી પહેલી વાર કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ મેચ રમતી હતી. તેણે ચેક ગણરાજ્યની કેરોલિના મુચોવાને 6-4,3-6,6-4થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 23 વર્ષની ઓસાકાએ મેચ બાદ જણાવ્યું હતું કે, હું આનંદિત છું. તે બે વાર અમેરિકી ઓપન અને બે વાર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી ચૂકી છે.
ઓસાકા બની અૉસ્ટ્રેલિયન અૉપનની સામ્રાજ્ઞી
