સતત 12મા દિવસે ઈંધણના ભાવ વધ્યા

પેટ્રોલની જેમ ડીઝલની કિંમત પણ જનતાને દઝાડે છે
નવી દિલ્હી, તા. 20 : વૈશ્વિક ક્રૂડ તેલની કિંમતમાં ઘટાડા છતાં `સરકારી વેરા' વેરી બનતાં ઘરેલુ બજારમાં ઈંધણના ભાવોમાં વણથંભ્યો વધારો દેશના સામાન્યજનને હવે તો રાતા પાણીએ રડાવવા માંડયો છે. આજે તો ખુદ મોદી સરકારના નાણામંત્રીએ આ ભાવવધારાને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.
દેશમાં શનિવારે લગાતાર 12મા દિવસે ઈંધણભાવમાં ભડકો થયો છે. પેટ્રોલની કિંમતમાં 38થી 39 અને ડીઝલના ભાવમાં 37થી 39 પૈસાનો વધારો ઝીંકી દેવાયો છે. બંને જીવનોપયોગી ઈંધણોની કિંમતો અનેક શહેરોમાં 100 રૂપિયાનો આંક આંબી જતાં કેન્દ્ર સરકારને ચોમેરથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.58 રૂપિયા અને મુંબઈમાં 97 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયા છે. યોગગુરુ બાબા રામદેવે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, સરકારે તાત્કાલિક ઈંધણોની કિંમતો ઘટાડવી જોઈએ.
મેં' આંદોલન વખતે પણ કહ્યું હતું કે, તમામ વેરા ખતમ કરી દેવા જોઈએ. તો 35થી 40 રૂપિયામાં પેટ્રોલ-ડીઝલ મળી શકે, તેવું તેમણે ઉમેર્યું હતું.
વિપક્ષો માત્ર નિવેદનબાજી કરીને સરકાર ઉપર હુમલા કરી રહ્યા છે. જો કે હવે ધીમેધીમે જનતાને સીધા સ્પર્શતા આ મુદ્દે દેશનાં જુદાજુદા ભાગોમાં દેખાવો શરૂ થયા છે.
પેટ્રોલ-ડીઝલનાં ધગધગતા ભાવ મુદ્દે રાજસ્થાનનાં ઘણા હિસ્સામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને હવે મધ્યપ્રદેશમાં પણ આની લાય લાગી છે. મધ્યપ્રદેશમાં આજે કોંગ્રેસ અડધો દિવસ બંધનું એલાન કર્યુ હતું. જેને મિશ્રપ્રતિસાદ મળ્યો હતો. ભોપાલમાં પૂર્વ મંત્રી પી.સી.શર્મા સહિતનાં સંખ્યાબંધ કોંગ્રેસ કાર્યકરોની ધરપકડો કરવામાં આવી હતી.'
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વધુ એકવાર સરકાર સામે આ મુદ્દે શબ્દપ્રહાર કર્યો હતો અને ટ્વિટરમાં તેમણે `મોંઘવારીનો વિકાસ' લખીને કટાક્ષ કર્યો હતો. આની સાથે તેમણે એક તસ્વીર પણ જારી કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, મોંઘવારીનો માર, રસોડાનાં બજેટમાં આગ, ડીઝલનો ભાવ વધતાં માલ પરિવહન પ્રભાવિત, શાકભાજીનાં ભાવ પણ વધ્યા. મોંઘવારીએ બગાડયું આમઆદમીનું બજેટ. મોંઘવારીથી આમજન પરેશાન. કોરોનાની સાથે હવે મોંઘવારી સામે પણ ઝઝૂમતી જનતા.
દરમિયાન, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનાં ચેરમેન બાલ મલકીત સિંહ પણ કેન્દ્રીય વેરામાં ઘટાડો કરીને ડીઝલનાં ભાવમાં તત્કાળ રાહત આપવાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, વેટમાં રાહત આપીને ઈંધણનાં ભાવ ઘટાડવાની સૂચના પણ રાજ્યોને કેન્દ્રે આપવી જોઈએ. જો 14 દિવસની અંદર સરકાર આવું નહીં કરે તો દેશમાં ટ્રાન્સપોર્ટની હડતાલ પાડયા સિવાય કોઈ છૂટકો નહીં રહે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer