બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર આતંકવાદી હુમલો

પાંચ સૈનિકનાં મોત
બે અલગ-અલગ હુમલામાં ફ્રન્ટિયર કોરને નિશાન બનાવાઈ
કરાચી, તા. 20 : આતંકવાદને પંપાળીને સતત સરહદો સળગતી રાખતા પાકિસ્તાનને ફરી એક વાર આતંકવાદી ભસ્માસુરે આંચકો આપ્યો છે.
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાનના બે અલગ-અલગ વિસ્તારમાં સંદિગ્ધ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા પાંચ સૈનિક માર્યા ગયા હતા, જ્યારે અન્ય બેને ઈજા પહોંચી હતી.
ફ્રન્ટિયર કોરના સૈનિકોને નિશાન બનાવીને બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના બહારી' વિસ્તાર અને કોહલુ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.
સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે પહેલો હુમલો ક્વેટાથી બહાર બાયપાસ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. અહીં રિમોટ કન્ટ્રોલ સંચાલિત બોમ્બને મોટરસાઈકલમાં ફિટ કરીને ફ્રન્ટિયર કોરના કાફલાને નિશાન બનાવાયો હતો, જેમાં એક સૈનિકનું મોત થયું હતું, જ્યારે બેને ઈજા પહોંચી હતી.
બીજો હુમલો કોહલુ જિલ્લાના કહાનમાં થયો હતો, જેમાં સંદિગ્ધ આતંકવાદીઓએ ફ્રન્ટિયર કોરની તપાસ ચોકીને ગુરુવારે નિશાન બનાવી હતી, જેમાં ચાર સૈનિક માર્યા ગયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer