બોન્ડની આવક વધતાં શૅરબજારોમાં ઘટાડો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.20 : શૅરબજાર નવી ટોચને સ્પર્શયા બાદ વેચવાલીના દબાણમાં રહ્યું છે. સ્થાનિક અને વૈશ્વિક બોન્ડ યિલ્ડમાં નોંધપાત્ર વધારાને લીધે વિશ્વમાં ઈક્વિટી બજારના ખેલાડીઓનો ઉત્સાહ ઘટયો છે. આ અઠવાડિયે ભારતની 10 વર્ષની બોન્ડ યિલ્ડ્સમાં 17 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે અને યુએસ 10 વર્ષની બોન્ડ યિલ્ડ્સમાં પણ આટલા પ્રમાણમાં વધારો નોંધાયો છે. એક રોકાણકાર તરીકે એ સમજવું જરૂરી છે કે બોન્ડની યિલ્ડ્સમાં વધારાની અસર ઈક્વિટીના મૂલ્યાંકન ઉપર પડતી હોય છે. વર્ષ 2013માં બોન્ડ યિલ્ડ અચાનક વધ્યાં હતાં જેને લીધે શૅરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. તેથી જ્યારે બોન્ડ યિલ્ડ ઘટે ત્યારે શૅરબજાર સ્થિર રહે અથવા વધે છે પરંતુ જ્યારે બોન્ડ યિલ્ડ વધે ત્યારે ઈક્વિટી બજારો અસ્થિર થાય છે. પરિણામે આ અઠવાડિયે શૅરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ બોન્ડની વધતી યિલ્ડને ગણી શકાય.'
શૅરબજારમાં ઘટાડાનું અન્ય એક કારણ ડૉલરની મજબૂતીને પણ ગણી શકાય. નવેમ્બરથી અત્યારસુધીના સાપ્તાહિક ચાર્ટને જોતા રૂપિયો ડૉલર સામે 74.5થી વધીને 72.5 થયો છે. આગામી અઠવાડિયાઓમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહે તો ડૉલર મજબૂત થતા ભારતીય શૅરબજારમાં ઘટાડો આવી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) પ્રોફિટ બુકિંગ કરી શકે છે. તેથી આવા સમયે મધ્યમ ગાળાની વ્યૂહરચના બનાવી રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાંથી અમુક શૅર્સને વેચીને નફો મેળવી લેવો જોઈએ અને નીચલા સ્તરે ક્વાલિટી શૅર્સ ખરીદવા જોઈએ, એમ સેમકો સિક્યુરિટીઝના એમડી અને સીઈઓ જીમિત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું' છે.
નિફ્ટી50ની 70 ટકા જેટલી કંપનીઓના ડિસેમ્બર ત્રિમાસિક નાણાકીય પરિણામો અપેક્ષા કરતા સારા રહ્યા હતા. ગ્રામીણ અને શહેરી બજારમાં વેચાણમાં રિકવરી, ભાવ વધારો, ઓછો કાર્યકારી ખર્ચ જેવા પરિબળોને લીધે કંપનીઓના ત્રિમાસિક પરિણામો સારા રહ્યા હતા. મહામારી બાદ અર્થતંત્ર સંપૂર્ણ શરૂ થતા આગામી સમયમાં કંપનીઓની આવક કોવિડ પહેલાના સ્તરે જવાની શક્યતા છે.'
નિફ્ટી50એ 15,431ની નવી ટોચ મર્યાદાને સ્પર્શી હતી. પરંતુ સપ્તાહના અંતે ઘટાડે બંધ રહ્યો હતો. કેન્ડલસ્ટીક પેટર્નના હિસાબે ઈન્ડેક્સ મંદીમાં છે અને ઊંચા સ્તરે ભાવમાં ઘટાડાનો સંકેત આપે છે. ઈન્ડેક્સ ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યો હોવાથી તેજીને થાક લાગતા હવે ઘટાડો જોવા મળશે. નિફ્ટીનો 15,050નો સપોર્ટ લેવલ તૂટતાં વધુ પ્રોફિટ બુકિંગ થશે તો ઈન્ડેક્સ હજી ઘટશે.' રોકાણકારોએ સાવચેત રહીને સ્થાનિક અને વૈશ્વિક વલણનું અવલોકન કરવુ જોઈએ. શૅરબજારમાં આઈપીઓની ભરમાર થતા તેજીનો પવન ફૂંકાશે. જોકે, અન્ય કોઈ સકારાત્મક પરિબળ ન હોવાથી બજાર મંદ પડી શકે છે. તેથી રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં સુધારણા કરી નબળા શૅર્સને વેચી દેવા જોઈએ. નવુ રોકાણ સારી ગુણવત્તાના અને ઓછા શૅરભાવે જ કરવા જોઈએ.''''''