પશ્ચિમ રેલવે એપ્રિલથી સ્લો લાઇન પર પંદર ડબાની લોકલ દોડાવશે

મુંબઈ, તા. 20 : એપ્રિલ મહિનાથી પશ્ચિમ રેલવે સ્લો લાઇન પર પંદર ડબાની સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. અંધેરીથી વિરાર સુધીના પ્લેટફોર્મને પંદર ડબાની લોકલને અનુકુળ કરવાનો 70 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે. દરમિયાન, પશ્ચિમ રેલવે સબર્બન નેટવર્કમાં 15 ડબાની બીજી 24 સેવા ઉમેરવાની યોજના બનાવી રહી છે. સ્લો કૉરિડોરના 31 પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ પૂરું થયા બાદ પશ્ચિમ રેલવે 15 ડબાની કુલ 146 સેવા શરૂ કરવા માગે છે, જેથી ભીડમાં ઘટાડો થઈ શકે. હાલ પશ્ચિમ રેલવે 15 ડબાની 54 ટ્રેનો ફાસ્ટ કૉરિડોર પર દોડાવી રહી છે. જ્યારે સ્લો કૉરિડોર પર અત્યારે માત્ર 12 ડબાની ટ્રેનો દોડાવાઈ રહી છે.
અમે એપ્રિલ મહિનામાં 15 ડબાની બીજી 24 ટ્રેનો દોડાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. 12 ડબાની ટ્રેનોને 15 ડબામાં બદલવા માટે અમને બીજા 42 કૉચની જરૂર પડશે, અમે રેલવે બોર્ડ પાસે વધારાના કૉચની માગણી કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું.
પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું કે, 15 ડબાની ટ્રેનો શરૂ થતા પ્રવાસીઓના વહનની ક્ષમતામાં 25 ટકા જેટલો વધારો થશે જેને કારણે અંધેરી-વિરાર વચ્ચેના બેલ્ટમાં પ્રવાસીઓના ભારણમાં ઘટાડો થશે.
પશ્ચિમ રેલવેએ 2009માં દાદર-વિરાર વચ્ચે પહેલી 15 ડબાની ટ્રેન ઇન્ટ્રોડયુસ કરી હતી. જ્યારે 28 જાન્યુઆરી 2011માં એ ચર્ચગેટ સુધી લંબાવવામાં આવી. જોકે, આ ટ્રેનો દાદર અને ચર્ચગેટ વચ્ચેના સ્ટેશનોની લંબાઈ ઓછી હોવાથી ઊભી રહેતી નથી.અધિકારીએ વધુમાં જણાવ્યું કે અંધેરી-ચર્ચગેટ વચ્ચે પંદર ડબાની ટ્રેનો દોડાવવી શક્ય નથી. કારણ, જગ્યાના અભાવે પ્લેટફોર્મની લંબાઈ વધારી શકાય એમ નથી. આમ છતાં જો ટ્રેનો શરૂ કરાય તો ટૂંકા પ્લેટફોર્મ પર ટ્રેન બે વાર ઊભી રાખવી પડે અને એને કારણે નિયમિતતા જાળવી શકાય નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer