હેલમેટ વગર બાઇક ચલાવતા વિવેક અૉબેરોયને દંડ ફટકારાયો

મુંબઈ, તા.20 : ટ્રાફિક પોલીસ વિભાગે હેલમેટ પહેર્યા વગર બાઇક ચલાવનાર અભિનેતા વિવેક અૉબેરોયને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિવેકે સોશિયલ મિડિયા પર વિડિયો અપલોડ કર્યા બાદ ટ્રાફિક પોલીસે વિવેક અૉબેરોયને ઇ ચલાન મોકલ્યું હતું. શુક્રવારે ટ્રાફિક વિભાગે જાણકારી આપી હતી કે અભિનેતા વિના માસ્ક હતો અને તેણે હેલમેટ પણ પહેર્યું નહોતું. સાંતાક્રુઝ ટ્રાફિક કંટ્રોલ વિભાગે આ બાબતની નોંધ લઇને અભિનેતાને ઇ ચલાન મોકલી આપ્યું હતું.'
વિવેકે 14 ફેબ્રુઆરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેયર કર્યો હતો, જેમાં તે રાતે મુંબઇના રસ્તાઓ પર વિના માસ્ક, વિના હેલમેટ બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. તેની બાઇક પર પાછળ તેની પત્ની પ્રિયંકા બેઠી છે.'
અભિનેતા વિવેક અૉબેરોય વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. વિના હેલમેટ બાઇક ચલાવવા માટે અભિનેતાને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પોલીસે અભિનેતા સામે આઇપીસીની કલમ 188,269, મોટર વ્હેકલ એકટની કલમ 129, 177 અને એપિડેમિક એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. વિવેકની ફરિયાદ સામાજિક કાર્યકર્તા ડૉ.બીનૂ વર્ગીસે માઇક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર કરી હતી ત્યારબાદ મુંબઇ પોલીસે અભિનેતા સામે કાર્યવાહી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer