દેશમાં ચાર રાજધાની હોવી જોઈએ : મમતા

દેશમાં ચાર રાજધાની હોવી જોઈએ : મમતા
નેતાજીની જન્મજયંતીએ કોલકાતામાં ભાજપ સામે દીદીનું શક્તિ પ્રદર્શન
કોલકાતા, તા. 23 : નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી, પશ્ચિમી બંગાળની રાજનીતિ માટે સોનામાં સુગંધ સાબિત થઇ રહી છે. ટીએનસી વડા મમતા બેનરજીએ કાર્યકર્તાઓની સાથે કોલકાતામાં પદયાત્રા કાઢી હતી. બંને નેતા જોરશોરથી નેતાજીનાં વારસાનો દાવો કરવામાં લાગી ગયા છે.
23મી જાન્યુઆરીએ નેતાજીની 125મી જયંતીનાં અવસરે ભાજપે પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ શ્યામ બજારથી લઇને રેડ રોડ સુધી પદયાત્રા કાઢી હતી. મમતાએ આ સાથે જ બોઝને દેશનાં નાયકનો દરજ્જો આપવાની માગણી મૂકી દીધી.
મમતા બેનરજીની રેલીમાં ટીએમસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકસમૂહ ઉમટયો હતો. રેલી દરમ્યાન મંચ પર મુખ્યમંત્રીએ શંખ વગાડયો હતો.  બેનરજીએ કહ્યું કે, મારું માનવું છે કે, ભારતમાં ચાર રાજધાનીઓ હોવી જોઇએ, જેનું રોટેશન પરિવર્તન થતું રહે. અંગ્રેજોએ સમગ્ર દેશમાં કોલકાતાથી જ દેશમાં શાસન કર્યું. દેશમાં માત્ર એક જ રાજધાની શા માટે રહેવી જોઇએ.
બેનરજીએ કહ્યું કે, જ્યારે નેતાજીએ ઇંડિયન નેશનલ આર્મીની રચના કરી, તેમાં બધા લોકોએ ભાગ લીધો હતો, તેમાં ગુજરાત, બંગાળ, તામિલનાડુના લેકો પણ સામેલ હતા. તેઓ હંમેશા `તોડે અને રાજ કરો'ની નીતિની વિરૂદ્ધ હતા. બંગાળને અને તેની ભાવનાઓને બહારનાં લોકો નથી સમજી શકતા. જે બધાને સાથે લઇને ચાલવામાં માને છે. નવી પેઢી નેતાજીને નથી જાણતી. નેતાજીનાં મૃત્યુનું  સત્ય બહાર આવવું જોઇએ. ભાજપને ચૂંટણીમાં જ બંગાળ યાદ આવ્યું છે. નેતાજી આપણા દેશનાં નાયક છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer