બાળાસાહેબ ઠાકરેની પ્રતિમાનું અનાવરણ

બાળાસાહેબ ઠાકરેની પ્રતિમાનું અનાવરણ
સમારોહમાં તમામ પક્ષના નેતાઓની હાજરી
મુંબઈ, તા. 23 : શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની શનિવારે 95મી જન્મજયંતી હતી અને એ અવસરે તેમના પૂતળાનું કોલાબામાં અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે અલગ અલગ પક્ષના નેતાઓ પણ હાજર હતા. બાળાસાહેબનું મુંબઈમાં આ પહેલું પૂતળું છે. 
આ અનાવરણ સમારંભમાં બાળાસાહેબના પુત્ર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, તેમના પિતરાઈ અને મનસેના ચીફ રાજ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવાર, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે હાજરી આપી હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પૂનામાં હોવાથી તેઓ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા. 
તળમુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય અને નેશનલ ગૅલરી અૉફ મોર્ડન આર્ટ પાસેના સર્કલમાં આ પૂતળું ઊભું કરાયું છે. 
આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મારા અને શિવસૈનિકો માટે આજનો દિવસ અવિસ્મરણીય છે. અમુક પ્રસંગો એવા હોય છે જ્યાં આભાર માનવા માટે શબ્દો પણ ન જડે. મારા માટે આજનો દિવસ આવો જ છે. બાળાસાહેબના સંબંધો દરેક પક્ષ સાથે અંગત ધોરણે એકદમ એખલાસભર્યા હતા. 
સમારંભમાં હાજરી આપવા બદલ તેમણે તમામ પક્ષના નેતાઓનો આભાર માન્યો હતો. પર્યાવરણ પ્રધાન અને બાળાસાહેબના પૌત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મારા દાદાના દરેક રાજકીય નેતા સાથે અંગત સંબંધ હતા. આ સંબંધમાં રાજકીય વિચારસરણી આડે આવતી નહોતી. આજનો દિવસ અમારા માટે મહત્ત્વનો છે કારણ કે તેમનું પૂતળું આખરે મુંબઈમાં ઊભું થયું છે. 
આ પ્રસંગે પૂતળાના શિલ્પી શશિકાંત વાડકેનું મુખ્ય પ્રધાને સન્માન કર્યું હતું. રાજ્ય સરકારે આ પહેલાં મુંબઈ-નાગપુર વચ્ચેના સુપર કૉમ્યુનિકેશન હાઈવેને બાળાસાહેબ ઠાકરેનું નામ આપ્યું હતું. પાલિકાની મુંબઈની એક હૉસ્પિટલને પણ બાળાસાહેબ ઠાકરેનું નામ આપવામાં આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer