ફન્ડામેન્ટલ્સના આધારે શૅરબજારની દિશા નક્કી થશે

ફન્ડામેન્ટલ્સના આધારે શૅરબજારની દિશા નક્કી થશે
વધતા ફુગાવાનો લાભ સિમેન્ટ, મેટલ, માઇનિંગ, ફોર્જિંગ, ભારે ઉદ્યોગ માટેની મશીનરી અને હૉટેલ ઉદ્યોગને થશે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : ભારતીય શૅરબજારો વિશેષરૂપે અમેરિકન શૅરબજારોનું અનુકરણ કરી તોફાની વધ ઘટના માહોલમાં રહ્યા.અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખપદની આ સૌથી વિવાદાસ્પદ ચૂંટણી પુરવાર થઇ હતી. નવા પ્રમુખ જૉ બાઇડનના આગમનથી વૈશ્વિક  શૅરબજારોમાં ખરીદીનો ઉન્માદ જોવા મળ્યો અને અહીં સેન્સેક્ષ અને નિફ્ટીએ નવા વિક્રમી શિખરો ચકાસ્યા. જોકે, વધારે પડતાં શૅરોના મૂલ્યાંકન અને તેજીના માહોલના કારણે રિટેલ રોકાણકારોએ વેચવાલીનું વલણ અપનાવી નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. શૅરોનું મૂલ્યાંકન એટલી હદે વધી ગયું હતું કે તેનો કોઇ તાલ ફન્ડામેન્ટલ સાથે બેસતો નહોતો. સપ્તાહના અંતે સતત બે દિવસની વેચવાલીના કારણે હવે ફન્ડામેન્ટલ્સ શૅરના ભાવ સાથે તાલ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. આમ તો ડિસેમ્બર ત્રિમાસિકના ગાળાના કંપની પરિણામોના કારણે જ ફન્ડામેન્ટલ્સનો પ્રભાવ શૅર્સના વેલ્યુએશનમાં દેખાઇ રહ્યો છે. 
અહીં આપણે ડાઉ થિયરીના આધારે શૅરબજારની તેજીની સમીક્ષા કરવી રહી. તેમાં કુલ ત્રણ તબક્કા છે.પહેલા તબક્કામાં વેપાર ધંધામાં આગામી માહોલ વિશે વિશ્વાસ નિર્માણ થાય છે,બીજા તબક્કામાં કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓની આવકના આધારે શેરોના ભાવ નીચલા સ્તરેથી કેવા પ્રતિભાવ આપે છે તે નક્કી થાય છે અને ત્રીજા તબક્કામાં બેફામ અટકળો અને ફુગાવાના આધારે શૅર્સના ભાવમાં ઊછાળો આવે છે. અગાઉ જણાવ્યા મુજબ અત્યારે શૅરબજાર પહેલા અને બીજા તબક્કાની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે, બીજો તબક્કો પૂરો થશે એટલે મોટાં કરેક્શનનો વારો આવશે અને ત્યાંથી શૅરબજાર ફરી નવી ઊંચાઇ તરફ જવાનો માર્ગ કંડારશે. પણ, નજીકના કાળમાં રોકાણકારોએ સાવધ રહી નફો બુક કરવો હિતાવહ રહેશે, એમ સેમકો સિકયુરિટિઝના સીઇઓ અને એમડી જીમિત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું છે. 
નીચલા સ્તરે થઇ રહેલી ઘટનાઓની સમીક્ષા કરવામાં આવે તો કાચા માલમાં જબરદસ્ત ભાવ વધારાના કારણે મોટા ફુગાવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આયર્ન અને સ્ટીલ, કૉપર સાથે પ્લાસ્ટિક અને ફાઇબર સુધીના કાચા માલના ભાવમાં 50થી 100 ટકાનો વધારો થયો છે, આટલી હદે ભાવ વધારો થવાથી નાની મધ્યસ્થ કંપનીઓની નફાકારકતાને માઠી અસર થશે. અર્થતંત્રમાં વધી રહેલા ફુગાવાના કારણે મૂડી લક્ષી વેપાર ધરાવતી કંપનીઓ, જેમ કે સિમેન્ટ, મેટલ, માઇનિંગ, ફોર્જિંગ, ભારે ઉદ્યોગ માટેની મશિનરીઓ અને હૉટેલ ઉદ્યોગને પણ લાભ થશે. એકંદરે દરેક ક્ષેત્રની  કંપનીઓ આ તેજીમાં સામેલ થશે અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી તે સાઇક્લિકલ નહીં પણ સર્વવ્યાપી -નિષ્પક્ષ તેજી હશે. 
નિફ્ટી માટે નવા સપ્તાહમાં 14,200નું સ્તર તાત્કાલિક ટેકાનું છે તે તૂટે તો તેનું સ્તર 13,100 સુધી નીચે જઇ શકે. હાલ બજારમાં તેજીનો દોર હોવાથી નિફ્ટી ઉપરમાં કેટલો જઇ શકે તે જોવું રસપ્રદ બની રહેશે. નવા સપ્તાહમાં કેન્દ્રીય બજેટની અપેક્ષાઓની અસર બજાર ઉપર જોવા મળશે અને બજેટ પછી બજારની દિશા નક્કી થશે. રોકાણકારોએ ચીનમાં કોરોનાના નવા પ્રકાર બાબતે અંકુશો મૂકવાની શરૂઆત કરી હોવાથી તેની અસર શું આવે છે તેની ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer