રહાણેને નિયમિત કૅપ્ટન બનાવવાની તીવ્ર બનતી માગ

રહાણેને નિયમિત કૅપ્ટન બનાવવાની તીવ્ર બનતી માગ
નવી દિલ્હી, તા. 23 : ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને 2-1થી ટેસ્ટ શ્રેણી જીતાડનારા અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. એડિલેડમાં રમાઈ રહેલા પહેલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજી ઈનિંગમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ હતી. કાંગારુ ટીમે અઢી દિવસમાં ભારતને 8 વિકેટે હરાવીને ટેસ્ટ શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી હતી. તેવામાં હવે પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ રહાણેને નિયમિત કેપ્ટન બનાવવાની વાત કરી છે.
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી છોડીને ભારત પરત ફરી ચૂક્યો હતો પણ કોહલીની જગ્યાએ નેતૃત્વ કરનારા અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયન માઈન્ડ ગેમથી આગળ વધીને ટીમને ફરી સક્ષમ બનાવી હતી. ટીમ ઈન્ડિયાએ રહાણેના નેતૃત્વમાં મેલબર્નમાં જોરદાર વાપસી કરી હતી. રહાણેએ ટીમ ઈન્ડિયાની આગેવાની કરતા સદી પણ કરી હતી. વધુમાં કાંગારુઓ ઉપ્ર 8 વિકેટે જીત અપાવી હતી.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શેન વોર્ને પણ રહાણેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ કોહલીની જગ્યાએ રહાણેને કેપ્ટન બનાવવાની માગણી કરી છે.બેદીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં પોતાના લેખમાં કહ્યું હતું કે, રહાણે ટાઈગર પટોડીની યાદ અપાવે છે. રહાણેએ જે રીતે ઘાયલ ટીમનુ નેતૃત્વ કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી વિજય અપાવ્યો તે પ્રશંસાને પાત્ર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer