મહારાષ્ટ્ર સરકાર અર્ણબ સામે પગલાં લે એવી શક્યતા

મહારાષ્ટ્ર સરકાર અર્ણબ સામે પગલાં લે એવી શક્યતા
અૉફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ અંતર્ગત
અમારા પ્રતિનિધિ તરફથી 
નાગપુર, તા. 23 : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ પર કરેલા હુમલા વિશેની માહિતી લીક કરવા બદલ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામી સામે અૉફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ પગલાં લઈ શકાય કે નહીં એ વિશે મહારાષ્ટ્ર સરકારે કાનૂની અભિપ્રાય મગાવ્યો છે, એમ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે શનિવારે કહ્યું હતું. 
નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ હુમલા વિશે આગોતરી માહિતી અર્ણબ પાસે ક્યાંથી આવી એ પણ અમારે કેન્દ્ર પાસેથી જાણવું છે. 
ભારતે બાલાકોટ પર હુમલો 26 ફેબ્રુઆરી, 2019ના કર્યો હતો જ્યારે અર્ણબે 23 ફેબ્રુઆરીના એ વખતના બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના ચીફ પાર્થો દાસગુપ્તા સાથેની ચેટમાં આ પ્રસ્તાવિત હુમલા વિશે ચેટ પર ચર્ચા પણ કરી હતી. 
પાર્થો દાસગુપ્તા ટીઆરપી કૌભાંડના મુખ્ય આરોપી છે અને અત્યારે મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. મુંબઈ પોલીસે આ કૌભાંડની જે ચાર્જશીટ ફાઈલ કરી છે એમાં બાલાકોટ વિશેની અર્ણબની ચેટની નકલો પણ બિડવામાં આવી છે. 
અનિલ દેશમુખે કહ્યું હતું કે વાયુસેનાના પ્રસ્તાવિત હુમલા વિશેની ગુપ્ત માહિતી અર્ણબ પાસે ત્રણ દિવસ પહેલાં હતી. આ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી તેની પાસેથી ક્યાંથી આવી એ અમારે કેન્દ્ર સરકાર પાસેથી જાણવું છે. આ માહિતી વડા પ્રધાન, સંરક્ષણપ્રધાન, સેનાના પ્રમુખો અને અમુક ચુનંદા લોકો પાસે જ હોય છે. આ મુદ્દો રાષ્ટ્રીય સલામતીનો છે અને કેન્દ્રએ જવાબ આપવો જ પડશે. 
તેમણે કહ્યું હતું કે આ રાજ્યનું ગૃહ મંત્રાલય અૉફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ, 1923 હેઠળ અર્ણબ સામે પગલાં લઈ શકે કે નહીં એ માટે કાનૂની અભિપ્રાય રાજ્ય સરકારે મગાવ્યો છે. 
14 ફેબ્રુઆરી, 2019ના કાશ્મીરમાં પુલવામામાં જૈશ-એ-મહમ્મદના ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા અને આ હુમલાના બદલારૂપે ભારતે બાલાકોટ પર હવાઈ હુમલો કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer