દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બીજી વીજ નિર્માણ યોજનાને મંજૂરી

મુંબઈ, તા. 23 : બૃહદ મુંબઈ મહાનગરપાલિકાનો વેસ્ટ-ટુ-એનર્જી (કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા માટેનો) પ્રથમ પ્લાન્ટ હજી શરૂ નથી થયો, ત્યાં દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે આવા બીજા પ્લાન્ટ માટેની યોજનાની પાલિકાએ મંજૂરી આપી છે. બીજા પ્લાન્ટ માટે તેણે એક્સપ્રેશન અૉફ ઈન્ટરેસ્ટ (ઈઓઆઈ) મંગાવ્યા છે. 
ગત વર્ષ નવેમ્બરમાં સ્થાયી સમિતિની મંજૂરીઓ મેળવ્યાં છતાં પ્રથમ પ્લાન્ટ હજી શરૂ નથી થયો. જારી કરાયેલા ઈઓઆઈ મુજબ, બીજા પ્લાન્ટ દરરોજ 1200 ટન કચરાને પ્રોસેસ કરશે અને બીજા પ્લાન્ટમાંથી દરરોજ 25 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે એવો પાલિકાનો અંદાજ છે. 
નવેમ્બરમાં, આવા પ્રથમ પ્લાન્ટ માટેનો લગભગ રા. 1,100 કરોડનો પ્રસ્તાવ કોઈપણ ચર્ચા વિના સ્થાયી સમિતિએ પસાર કર્યો હતો. સૌથી ઓછી રકમ ક્વોટ કરનારા બિડર ચેન્નઈ એમએસડબ્લ્યૂ પ્રા. લિ.ને કોન્ટ્રેક્ટ અપાયો હતો. 40 મહિનામાં પ્લાન્ટ ઊભો કરવા અને 15 વર્ષ સુધી તેને ચલાવવા માટે 120 હેક્ટરના દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી 12 હેક્ટર જમીન આપવા પાલિકા સંમત થઈ છે. પ્રથમ પ્લાન્ટ દરરોજ આશરે 600 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરશે અને ખુલ્લી બજારમાં વેચવા માટે વીજળી ઉત્પન્ન કરશે. 
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ 1927માં શરૂ કરાયું હતું અને 132 હેક્ટર પર પથરાયેલા ડમ્પિગ ગ્રાઉન્ડમાં 114 ફૂટ જેટલા ઊંચા કચરાના ઢગલા ખડકાયા છે. આ પ્લાન્ટનો સમાજવાદી પક્ષના નગરસેવક તથા વિધાનસભ્ય રઈસે વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે પર્યાવરણને લગતી કોઈ મંજૂરી નથી મેળવાઈ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer