શત્રુંજયમાં રાજ્ય સરકારે પૂજાની મંજૂરી આપી નથી : આણંદજી કલ્યાણજી પેઢીનો ખુલાસો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : જૈનોના શિરમોર પવિત્રતમ તીર્થ પાલીતાણામાં ભગવાનની પૂજા કરવાની મંજૂરી હજી સુધી ગુજરાત રાજ્ય સરકાર તરફથી મળી ન હોવાની સ્પષ્ટતા આ તીર્થનો વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી કરવામાં આવી છે. જોકે ભગવાનના દર્શન કરવાની ભાવિકોને છૂટ છે.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પ્રમુખ સંવેગભાઈ લાલજીભાઈએ બાવીસ જાન્યુઆરી 2021ના શ્રી સંઘ જોગ લખેલા પત્રમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
પત્રમાં જણાવ્યું છે કે શુક્રવાર, બાવીસ જાન્યુઆરીએ પાલીતાણાથી ભાવનગરના કલેક્ટરના પૂજાની પરવાનગી આપતા પત્રનો વૉટ્સ ઍપ ફેરવવામાં આવ્યો હતો.
શ્રી સંઘને જણાવાનું કે પેઢી દ્વારા ગત 29 ડિસેમ્બર 2020ના રોજ શ્રી શત્રુંજય ગિરિરાજ તથા શ્રી ગિરનારજી પર્વતાધિરાજ ઉપરનાં જિનાલયોમાં પરમાત્માની પૂજા કરવા માટેની મંજૂરી માગતો પત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન, ભાવનગરના કલેક્ટર તથા જૂનાગઢના કલેક્ટરને લખવામાં આવ્યો હતો.
પેઢીના પત્રના અનુસંધાનમાં ભાવનગર અને જૂનાગઢના કલેક્ટરે માર્ગદર્શિકા આધીન, જેમાં મૂર્તિને અડવાનું વર્જ્ય છે, તે રીતે પરવાનગી આપતો પત્ર પેઢીને આપેલો પરંતુ રાજ્ય સરકારે હજી સુધી પરવાનગી આપી નથી અને પેઢીએ આ જાહેરાત કરી નહોતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer